સભામોકૂફી અંગે કોઈ રાજકારણ થવું ન જોઈએ : રામવિલાસ પાસવાન

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને સોમવારે જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ અને વર્તમાન સાંસદ રામચંદ્ર પાસવાનના ગઈકાલે અવસાનને પગલે લોકસભાની કાર્યવાહી સોમવારે સમગ્ર દિવસ માટે નહીં, પરંતુ બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખવાના નિર્ણય પર કોઈ રાજકારણ થવું જોઈએ નહીં.
બપોરે બે વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાના સ્પીકર ઓમ બિરલાના નિર્ણયનો વિપક્ષે વિરોધ કર્યા બાદ પાસવાને આ ટિપ્પણી કરી હતી. સામાન્ય રીતે સત્ર ચાલતું હોય ત્યારે કોઈ વર્તમાન સાંસદનું અવસાન થાય તો સમગ્ર દિવસ માટે કાર્યવાહી મોકૂફ રાખવાની પ્રથા છે.
`લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મુલતવી રાખવાનો નિર્ણય મારા પ્યારા ભાઈના અવસાન બદલ મારા પરિવાર પ્રત્યેની સંસદની લાગણી બતાવે છે' એમ પાસવાને ટ્વીટ કર્યું હતું. `સંસદે નવી પ્રથા શરૂ કરી છે જેથી બે વાગ્યા બાદ તેની કાર્યવાહી ફરીથી શરૂ થઈ શકે. રામચંદ્ર પાસવાન દલિતો અને નબળા વર્ગનો અવાજ અને તેમના નેતા હતા. આ વિશે કોઈ રાજકારણ રમાવું ન જોઈએ' એમ પાસવાને જણાવ્યું હતું.
કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સમગ્ર દિવસ કાર્યવાહી મોકૂફ રાખવાની પ્રથા બંધ ન કરવી જોઈએ એવી અરજ સ્પીકરને કરી હતી.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer