સ્મશાનભૂમિમાં ગર્દુલા પર નજર રાખશે સીસીટીવી કૅમેરા

મુંબઈ, તા. 22 : મુંબઈમાં સ્મશાનભૂમિ શરાબીઓ અને ગર્દુલાઓનો અડ્ડો બની ગઇ છે. પાલિકાના કર્મચારીઓ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરે તો તે લોકો તેમને ધમકાવે છે અને મારપીટ કરે છે. તેમના પર નિયંત્રણ લાવવા માટે પાલિકાએ સ્મશાનભૂમિમાં સીસીટીવી કૅમેરા બેસાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પાલિકાની મહાસભાની મંજૂરી મળે તેવી શક્યતા છે. 
સ્મશાનભૂમિમાં વ્યક્તિની અંતિમવિધિ કરવા સિવાય કોઈ આવતું નથી એટલે ત્યાં શાંતિ હોય છે. એટલે તેનો ફાયદો લઈને અનેક શરાબીઓ અને ગર્દુલા ત્યાં ઘૂસી આવે છે. પાલિકાના કર્મચારીઓ તેમને બહાર જવાનું કહે તો તેઓ તેમની મારપીટ કરતા હોવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગેરરીતિને રોકવા માટે પ્રત્યેક સ્મશાનભૂમિમાં સીસીટીવી મૂકવા અને સુરક્ષા કડક કરવાની માગણી નગરસેવકોએ કરી હતી. 
સ્મશાનભૂમિ અને દફનભૂમિમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સુવિધા કરવામાં આવે છે છતાં કેટલીક સ્મશાનભૂમિમાં સુરક્ષા વ્યવસ્થા રામ ભરોસે હોય છે. સ્મશાનભૂમિ અને દફનભૂમિમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવી અને સીસીટીવી કૅમેરા બેસાડવાની માગણી નગરસેવિકા આશા મરાઠેએ પાલિકા પ્રશાસન પાસે કરી છે. એ પ્રસ્તાવને પાલિકાની જલદી મંજૂરી મળે તેવી શક્યતા છે. 
મહાપાલિકા ક્ષેત્રમાં અંતિમવિધિ માટે 178 સ્મશાનભૂમિ છે. તેમાંથી 62 સ્મશાનભૂમિની જવાબદારી પાલિકા પ્રશાસનની છે જ્યારે 116 સ્મશાનભૂમિનું વ્યવસ્થાપન ખાનગી સંસ્થા કરે છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer