મોરનાં ઇંડાં ચિતરવા ન પડે : આદિત્ય ઠાકરેનો કાકા રાજ ઠાકરે વિશે ચતુરાઇ ભર્યો જવાબ

અહમદનગર, તા.22 : `મોરના ઇંડા ચિતરવા ન પડે' એ કહેવત યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેના એક રાજકીય પ્રશ્નની હાજર જવાબી પરથી સાચી લાગી રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે હાલમાં જન આશીર્વાદ યાત્રા પર છે અને અહમદનગરમાં વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં આદિત્યને પિતરાઇ કાકા રાજ ઠાકરે પાસેથી શું શીખ્યા એવો સવાલ પૂછ્યો હતો. આદિત્યએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનું નામ લીધાં વગર ખૂબ ચતુરાઇથી એવો ઉત્તર આપ્યો કે સૌ વિદ્યાર્થીઓએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. 
એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે કાકા રાજ ઠાકરે પાસેથી તમે રાજકારણમાં શું શીખ્યા? ઘડીનોય વિલંબ કર્યા વગર આદિત્યએ કહ્યું હતું કે મેં મારા દાદા (બાળાસાહેબ ઠાકરે) અને પિતાજી (ઉદ્ધવ ઠાકરે) પાસે રાજકારણના પાઠ ભણ્યા છે. દાદાએ મને શીખવ્યું હતું કે એક લક્ષ્ય નક્કી કર્યા બાદ પાછું વાળીને ન જોવું, આગળ ધપતા રહેવું. મારા પિતાજીએ મને શીખવ્યું છે કે જે કામ કરો એ પ્રમાણિકતાથી કરો, ખોટું ક્યારેય ન બોલો અને નાટક ન કરો. બાકીના પાઠ હું જનતા સાથે સંવાદ કરીને શીખી રહ્યો છું. આ જવાબ આપતી વખતે આદિત્યએ ખોટું ક્યારેય ન બોલવું અને નાટક ન કરવા એ શબ્દો પર વિશેષ ભાર આપ્યો હતો. આદિત્યના ચતુરાઇ ભર્યો જવાબને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના સારા દેખાવ બદલ લોકોનો આભાર માનવા માટેની મારી `જન આશીર્વાદ યાત્રા' એક ખરા અર્થમાં પવિત્ર યાત્રા છે, એમ આદિત્ય ઠાકરેએ આજે અહમદનગર જિલ્લાના શ્રીરામપુર ખાતે મેદનીને સંબોધતાં કહ્યું હતું. 
આદિત્યએ કહ્યું હતું કે તમારા (જનતાના) સહયોગ વગર હું નવું મહારાષ્ટ્ર ન બનાવી શકું. તમારી અપેક્ષાઓ અને સપનાં પૂરાં કરવા માટે મારે સૌના સહકારની જરૂર છે. અમે મહારાષ્ટ્રના ખેડૂતોને કરજ મુક્ત કરવા, યુવા વર્ગને રોજગારી આપવા તેમ જ પ્રદૂષણ મુક્ત કરવા માટે ભાજપ સાથે યુતિ કરી છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer