ચંદ્રયાન-2 : પક્ષોમાં યશ લેવાની હોડ

કૉંગ્રેસે કહ્યું : નેહરુ, મનમોહનને યાદ કરવા જોઇએ ભાજપનો પલટવાર : રાજકારણ રમવું દુ:ખદ
નવી દિલ્હી, તા. 22 : ચંદ્રયાન-2 મિશનનાં લોન્ચિંગ માટે ભલે ઇસરોના વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કરીને સફળતા અપાવી હોય, પરંતુ રાજકીય પક્ષોમાં આ મિશનનો યશ લેવાની હોડ શરૂ થઇ ગઇ છે.
કોંગ્રેસે ઇસરોની સ્થાપના માટે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ચંદ્રયાન-2 મિશનને મંજૂરી આપવા માટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને યાદ કર્યા હતા.
ભાજપે કોંગ્રેસ પર પલટવાર કરતાં કહ્યું હતું કે, સૌ ભારતીય નાગરિકોને ગૌરવાન્વિત કરનારી ચંદ્રયાન-2ની ઐતિહાસિક સિદ્ધિ પર રાજકારણ રમવું દુ:ખદ છે.
કોંગ્રેસે તેનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ઇસરોના વૈજ્ઞાનિકોને વધામણી તો આપી હતી. પરંતુ એવું પણ નોંધ્યું હતું કે, 1962માં ઇસરોનો પાયો નાખનાર નેહરુને આ પ્રસંગે યાદ કરવા જોઇએ.
કોંગ્રેસના પ્રવકતા આનંદ શર્માએ કહ્યું કે, ભારતની અવકાશયાત્રા નેહરુથી શરૂ થઇ હતી અને કરિશ્માઇ નેતા ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં આર્યભટ્ટ પ્રક્ષેપણ સાથે તેને ગતિ મળી.
પલટવાર કરતાં ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસને જ્યારે ભવિષ્ય માટે કોઇ નેતૃત્વ નથી દેખાતું ત્યારે ભૂતકાળની મદદ લઇ પોતાને પ્રાસંગિક રાખવા મથે છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer