મને હોળીનું નાળિયેર ન બનાવો : સ્પીકર કે.આર. રમેશ

કર્ણાટક વિધાનસભામાં મોડી રાત સુધી ઘમસાણ ચાલુ
કૉંગ્રેસ-જેડીએસની બુધવાર સુધીનો સમય આપવાની માગણી
ફગાવાઇ : સ્પીકરે બાગી વિધાયકોને ફટકારી કારણદર્શક નોટિસ
બેંગ્લુરુ, તા. 22 : કર્ણાટકમાં ચાલી રહેલા રાજનીતિક ઘમાસાણ વચ્ચે આજે સોમવારે કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વિધાનસભામાં શું ચાલી રહ્યું છે તે દેશ જોઈ રહ્યો છે અને તેઓ હોળીનું નાળીયેર બનવા માગતા ન હોવાથી ભલે મોડી રાત સુધી ચર્ચા થાય પણ વિશ્વાસમત આજે જ કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી દ્વારા બુધવાર સુધીનો સમય આપવાની માગણી નકારી હતી.  તેમજ બાગી વિધાયકને કારણદર્શક નોટિસ જારી કરી હતી કે તેઓની સદસ્યતા કેમ રદ કરવામાં ન આવે ? 
કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે નક્કી કર્યા મુજબ સોમવારે વિશ્વાસમત ઉપર મતદાનની કાર્યવાહી થશે તે શરૂઆતમાં જ કેઆર રમેશ કુમારે સ્પષ્ટ કહ્યું હતું.  તેવામાં કોંગ્રેસ-જેડીએસએ ચર્ચાને લંબાવવાનો પૂરો પ્રયાસ કરીને મંગળવાર સુધી વિશ્વાસમત ન થાય તેવો પ્રયાસ કર્યો હતો. કારણ કે બાગી વિધાયકો અંગે મંગળવારે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ સ્પીકર સમક્ષ બુધવાર સુધીનો સમય આપવાની માગણી કરી હતી. જો કે સ્પીકરે આ માગણીનો અસ્વિકાર કર્યો હતો. આ દરમિયાન ગઠબંધન સરકારે સદનમાં હાજર થઈને બાગી વિધાયકોને ભાજપને બેનકાબ કરવાની અપીલ કરી હતી. પરંતુ બાગી વિધાયક સદનમાં હાજર થાય તેવી કોઈ સંભાવના જોવા મળી નહોતી. જેને લઈને ગઠબંધન સરકાર દ્વારા ભાજપ ઉપર આરોપો મુકવામાં આવ્યા હતા.
 સ્પીકરે 14 બાગી વિધાયક અંગે કહ્યું હતું કે, કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાના સંવિધાનના 10મા શેડયૂલ હેઠળ અધિકાર છે કે વ્હીપના ઉલ્લંઘન બદલ તેઓ બાગી વિધાયક સામે કાર્યવાહી કરી શકે છે.  કોંગ્રેસના સંકટમોચક કહેવાતા ડીકે શિવકુમારે  કહ્યું હતું કે, અટલબિહારી સરકારમાં વિશ્વાસમતમાં 10 દિવસનો સમય લાગ્યો હતો. 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer