પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયો વડોદરાનો જવાન આરીફ પઠાણ

પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયો વડોદરાનો જવાન આરીફ પઠાણ
સંતત્પ પરિવારે કહ્યંy, જડબાંતોડ જવાબ આપો, નાનો ભાઈ સેનામા જોડાવા આતુર
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 22 : જમ્મુ-કાશ્મીરમાં અખનુર કેરી બટ્ટલ સેક્ટરમાં સોમવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો વળતો જવાબ આપતી વખતે વડોદરાનો 24 વર્ષીય જવાન આરીફ પઠાણ શહીદ થયો છે. જેકે-18 રાઇફલમાં ફરજ બજાવી રહેલો આરીફ શહીદ થયો હોવાના વહેલી સવારે સમાચાર મળતા જ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. શહીદ જવાનના પાર્થિવ દેહને આવતી કાલે મંગળવારે સાંજ સુધીમાં વડોદરા લાવવામાં આવશે. 
વડોદરા શહેરના નવાયાર્ડ ડી કેબિન રોડ ઉપર 301, રોશન પાર્કમાં રહેતો આરીફ પઠાણ છેલ્લાં 4 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં અખનુર ખાતે ફરજ બજાવતો હતો. આરીફના પિતા સફીઆલમખાન પઠાણ વડોદરા રેલવેમાં ફરજ બજાવે છે. 3 ભાઈ અને 2 બહેનોમાં આરીફ ત્રીજા નંબરનો પુત્ર હતો. વહેલી સવારે પરિવારજનોને આરીફને ગોળી વાગતા શહીદ થયો હોવાના સમાચાર મળતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ સાથે નવાયાર્ડના લોકો મોટી સંખ્યામાં આરીફના ઘરે પહોંચી ગયા હતા. આ ઉપરાંત રાજકીય અગ્રણી નરેન્દ્ર રાવત પણ પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચી ગયા હતા. 
શહીદ થયેલા આરીફના નાનાભાઈ આસીફ પઠાણે જણાવ્યું હતું કે, મારો ભાઈ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો જડબાંતોડ જવાબ આપવામાં શહીદ થયો છે. તેનું અમને પરિવારજનોને ગૌરવ છે. ભાઈ શહીદ થયા પછી પણ મારું મન ઇન્ડિયન આર્મીમાં જવા માટે ડગ્યું નથી. મારો ભાઈ શહીદ થયો છે. તેનું દુ:ખ છે, પરંતુ હું પણ ઇન્ડિયન આર્મીમાં જવા માટેની તૈયારી કરી રહ્યો છું. હું જ્યારે પણ ઇન્ડિયન આર્મીમાં જઇશ. ત્યારે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપીને મારા ભાઈનો બદલો લઇશ. 
શહીદ થયેલા આરીફના અંગત મિત્ર નાવેદખાને જણાવ્યું હતું કે, હું પણ આર્મીમાં જવા માટે તૈયારી કરી રહ્યો છું. બે માસ પૂર્વે જ્યારે મારો મિત્ર આરીફ રજા લઇને આવ્યો ત્યારે સાથે જ ફરતા હતા. તેની પાસેથી હું આર્મીની નોકરી વિષેની માહિતી મેળવતો હતો અને તે જે વાતો કરતો હતો તેનાથી જ મેં આર્મીમાં જવાની તૈયારી શરૂ કરી છે. તેણે મને આગામી બે માસ બાદ પરત આવવા માટે પણ જણાવ્યું હતું, અને કહ્યું હતું કે, હું હવે જ્યારે આવીશ ત્યારે નિકાહ કરીને જઇશ. મેં આજે મારી જિંદગીનો અંગત મિત્ર ગુમાવ્યો તેનું મને દુ:ખ છે. 
શહીદ થયેલા આરીફના મોટાભાઈ અશરફ પઠાણ સહિત પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરીફ દેશની રક્ષાકાજે શહીદ થયો તેનું અમને ગૌરવ છે, પરંતુ પાકિસ્તાનને હવે જડબાંતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ક્યાં સુધી ભારતના સપુતો શહીદ થતાં રહેશે. આજે આરીફ પાકિસ્તાન સામે લડતા-લડતા શહીદ થયો છે. છતાં અમારા પરિવારના અન્ય યુવાનો આર્મીમાં જવા તૈયાર છે.
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer