કુમારી જ્યોતિબેન મનુભાઈ ભટ્ટને `જીવન ગૌરવ પુરસ્કાર'' અર્પણ

કુમારી જ્યોતિબેન મનુભાઈ ભટ્ટને `જીવન ગૌરવ પુરસ્કાર'' અર્પણ
મુંબઈ : વૈદિક જ્યોતિષ સંસ્થાન દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જ્યોતિષશાત્રમાં અધ્યયન, અધ્યાપન તથા પ્રચાર અર્થે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ `જન્મભૂમિ પંચાંગ'નાં પ્રથમ મહિલા પંચાંગકર્તા કુમારી જ્યોતિબેન મનુભાઈ ભટ્ટને જ્યોતિષશાત્રમાં `જીવન ગૌરવ પુરસ્કાર' અર્પણ કરાયું હતું અને સાથે સાથે ગત વર્ષે જન્મભૂમિ પંચાંગને 7પ વર્ષ પૂર્ણ થયાં અને આ વર્ષે ગુજરાતી ભાષાના લાડકા `જન્મભૂમિ' સમાચારપત્રે 86મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ બંને સંભારણાં યાદ રહે તે અર્થે સંસ્થા દ્વારા સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું જે `જન્મભૂમિ' વતી કુમારી જ્યોતિબેન એમ. ભટ્ટે  સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે દર વર્ષની જેમ સંસ્થા દ્વારા પ્રકાશિત સ્મરિણકાનું વિમોચન કુમારી જ્યોતિબેન ભટ્ટ, સ્મિતાબેન પાટકર, નીકુંજ શેઠ તથા સંસ્થાના વિદ્વાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યોતિબેને પંચાંગ વિષય, નિરયન જ્યોતિષ, સાયન જ્યોતિષ તથા ગ્રહોનાં ક્રાંતિ સામ્ય પર માહિતીસભર વકતવ્ય આપ્યું હતું. નીકુંજ શેઠે પ્રારબ્ધ અને પુરુષાર્થ પર, સ્મિતાબેન પાટકરે જ્યોતિષ અને આધ્યાત્મ અને આચાર્ય અશોકજીએ જ્યોતિષ અને સ્વરજ્ઞાન પર વકતવ્ય આપ્યું હતું. 
સંસ્થા દ્વારા વર્ષાબેન રાવલે વૈદિક જ્યોતિ હોરા મૂર્તિ પદવી તથા સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું તથા ગત વર્ષના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા દરેક વિષયમાં પ્રથમ આવનારા વિદ્યાર્થી સોનલ થડેશ્વરને હસ્તરેખામાં, મેહુલ ભટ્ટને જ્યોતિષ પ્રથમ વર્ષમાં, લીના ચોકસીને વાસ્તુ પ્રથમ વર્ષમાં, વૈશાલી ઝવેરીને જ્યોતિષ દ્વિતીય વર્ષમાં, અનુરાધા અગરવાલને વાસ્તુશાત્રના દ્વિતીય વર્ષમાં, અંજના પાલેજાને જ્યોતિષ તૃતીય વર્ષમાં, હિના પારેખને સ્વરજ્ઞાનમાં રજત ચંદ્રકો કુમારી જ્યોતિબેનના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે ગતવર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ બધા જ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આચાર્ય અશોકજીએ કર્યું હતું.
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer