કેન્દ્ર સરકારના મોડેલ ટેનન્સી ઍક્ટ-2019ના મુસદ્દાનો ભાડૂતો દ્વારા વિરોધ

કેન્દ્ર સરકારના મોડેલ ટેનન્સી ઍક્ટ-2019ના મુસદ્દાનો ભાડૂતો દ્વારા વિરોધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : આજે ગરવારે ક્લબ હાઉસમાં ભરાયેલી ભાડૂતોની બેઠકમાં કેન્દ્ર સરકારના મોડેલ રેન્ટ ઍકટના મુસદ્દાનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે ગરવારે ક્લબમાં વિધાનસભ્ય રાજ પુરોહિતના અધ્યક્ષસ્થાને પાઘડીવાળાં મકાનોના ટેનન્ટની બેઠક ભરાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના `મોડેલ રેન્ટ ઍકટ'ના મુસદ્દા પર ચર્ચા કરાઈ હતી. રાજ પુરોહિતે એવી ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારનો આ `મોડેલ રેન્ટ ઍકટ' સંસદમાં મંજૂર થશે તો પણ મહારાષ્ટ્ર રાજ્ય આ કાયદો નહીં સ્વીકારે. તેમણે કહ્યું હતું કે હું ભાડૂતોની જોડે છું.
આ બેઠકમાં હાજર રહેનાર પાઘડીવાળાં મકાનોના ટેનન્ટે આ મુસદ્દા સામે લાલ બત્તી બતાડી હતી. તેમણે કહ્યું હતું કે આમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા મહારાષ્ટ્ર રેન્ટ ઍકટને રદ કરવાની ખતરનાક જોગવાઈ છે. આને લીધે અમારા હક્ક પર તરાપ પડશે. આમાં મકાનમાલિક બજારભાવ પ્રમાણે કિંમત માગી શકે એવી જોગવાઈ છે. આની કલમ 93 અને 43 ભાડૂતોનાં હિતોને નુકસાન પહોંચાડનારી છે. માટે અમે આ નવા ઍકટનો વિરોધ કરીએ છીએ.
અમારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે જૂના ભાડૂત ધારાને અકબંધ રાખીને એમાં ભાડૂતોનાં હિતમાં સુધારા કરવા જોઈએ.
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer