માહિતી અધિકાર ધારામાં સુધારાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે એક્ટિવિસ્ટોનો જોરદાર વિરોધ

માહિતી અધિકાર ધારામાં સુધારાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે એક્ટિવિસ્ટોનો જોરદાર વિરોધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : રાઈટ ટુ ઈન્ફોર્મેશન ઍક્ટ (આરટીઆઈ)માં સુધારો કરવાના કેન્દ્ર સરકારનાં પગલાંનો માહિતી અધિકાર એક્ટિવિસ્ટો અને ભૂતપૂર્વ ઈન્ફોર્મેશન કમિશનરોએ જોરદાર વિરોધ ર્ક્યો છે અને કહ્યું છે કે આ સુધારાથી કાયદો નબળો પડી જશે, એટલું જ નહીં ચીફ ઈન્ફોર્મેશન કમિશનર (સીઆઈસી) તેમ જ અન્ય ઈન્ફોર્મેશન અૉફિસરોની સ્વતંત્રતા પર પણ તરાપ લાગશે.
નવા સુધારા પ્રમાણે અન્ય બાબતો સાથે હવે ઈન્ફોર્મેશન કમિશનરોની નોકરીની મુદત સરકાર નક્કી કરશે.
ભૂતપૂર્વ સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનર અને પ્રખર આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેશ ગાંધીએ જણાવ્યું હતું કે આરટીઆઈ કાયદામાં આ માટે સુધારા કરવામાં આવી રહ્યા છે એના ગળે ઊતરે એવાં કોઈ કારણ સરકારે આપ્યાં નથી. આ ઉપરાંત કાયદો બનાવતાં પહેલાં કોઈ વાંધાવચકા પણ મગાવવામાં આવ્યા નથી.
તેમણે કહ્યું હતું કે આ કાયદામાં સુધારા સંપૂર્ણ ગુપ્ત રીતે લાવવામાં આવ્યા છે. એનો મતલબ એવો થયો કે સરકાર સીઆઈસી પર પોતાનું નિયંત્રણ રાખવા માગે છે. ઉપરાંત રાજ્યના ઈન્ફોર્મેશન કમિશનરોની કામગીરી ડાઉનગ્રેડ કરવા માગે છે. હવેથી ઈન્ફોર્મેશન કમિશનરોની નિમણૂકો રાજકીય હેતુ પ્રેરિત બની જશે.
સત્તાવાળાઓ પાસેથી જવાબ માગવા અને સરકારી વહીવટમાં પારદર્શકતા લાવવા માટે આરટીઆઈ ઍકટ નાગરિકો માટે એક શક્તિશાળી શત્ર હતું, પરંતુ આ કાયદાને સુધારા દ્વારા નબળો પાડવામાં આવી રહ્યો છે, એવો આક્ષેપ ગાંધીએ ર્ક્યે હતો.
પુણેના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિજય કુંભારે જણાવ્યું હતું કે જો આ સુધારા આવકારવામાં આવશે તો સરકારને લાગશે કે તેનાં હિતો જોખમાય છે તો તે કોઈ પણ સીઆઈસી કે એસઆઈસીની બદલી કરી શકશે.
હકીકતમાં ઈન્ફોર્મેશન કમિશનરો સ્વતંત્રરીતે અને કોઈ પણ સરકારી દબાણ વિના કામ કરી શકે એ રીતે આ કાયદો બનાવાયો હતો.
નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટુ ઈન્ફોર્મેશન (એનસીપીઆરઆઈ) આ સુધારાઓને તત્કાળ પાછા ખેંચી લેવાની માગણી કરી છે.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer