ખુલ્લામાં કચરો ફેંકનારાઓ પર હવે સીસીટીવી કૅમેરાથી નજર રખાશે

ખુલ્લામાં કચરો ફેંકનારાઓ પર હવે સીસીટીવી કૅમેરાથી નજર રખાશે
સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા આકરો દંડ ફટકારશે
મુંબઈ, તા. 22 : સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હવે ખુલ્લી જગ્યામાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી મુંબઈ પાલિકા કરી રહી છે. ખુલ્લી જગ્યાઓએ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે અને વારંવાર અયોગ્ય જગ્યાએ કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરાશે. પાલિકા કમિશનરે દરેક વૉર્ડમાં કેટલીક ચોક્કસ જગ્યાઓએ સીસીટીવી કેમેરા મૂકીને વૉર્ડ અૉફિસ સાથે તેને જોડવાનો આદેશ આપ્યો છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ યોજના તૈયાર થઇ રહી છે અને અયોગ્ય જગ્યાએ કચરો ફેંકનારાઓ પાસેથી દંડ વસૂલવા ઉપરાંત વારંવાર આવું કરનારાઓના ઘરના પાણીનાં જોડાણ પણ કાપી નાખવાની જોગવાઇ વિચારાધીન છે. 
સમગ્ર ઝુંબેશ સંબંધે એક અધિકારીએ કહ્યું હતું કે પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની જેમ પ્રત્યેક વૉર્ડમાં વીડિયો વૉલ તૈયાર કરાશે, પ્રત્યેક વૉર્ડમાં જ્યાં કચરો ફેંકવામાં આવે છે એવા સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકાશે તેને આ વીડિયો વૉલ સાથે જોડવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેટલીય જગ્યાઓએથી કચરાના મોટા ડબાઓ ઊઠાવી લેવાયા છે છતાં આવી જગ્યાઓએ હજુએ લોકો કચરો ફેંકે છે, જેનાથી ગંદકી ફેલાય છે.
જે સ્થળેથી કચરાના ડબાઓ હટાવી લેવાયા છે અને કચરો ફેંકવામાં આવે છે એવા સ્થળોએ સીસીટીવી કેમેરાઓ મૂકવાની યોજના છે, બાદમાં ત્યાં ક્લીન-અપ માર્શલને પણ ફરજ પર મુકાશે. પહેલાં તો કચરો ફેંકનારાઓને સમજાવાશે અને કચરો હટાવવાની કાર્યવાહી કરાશે. આમ છતાં પણ જો લોકોનો સહકાર નહીં મળે તો પછી કચરો ફેંકનારાઓને દંડીત કરાશે અને બાદમાં પણ જો આવી રીતે જ ગંદકી ફેલાવાશે તો સમગ્ર વિસ્તારનું પાણીનું જોડાણ કાપી લેવાની જોગવાઇ યોજનામાં કરાશે.   
 
 
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer