બાન્દ્રાની એમટીએનએલની બિલ્ડિંગમાં ભભૂકી ભયાનક આગ, ફાયર બ્રિગેડની ઉત્તમ બચાવ કામગીરી

બાન્દ્રાની એમટીએનએલની બિલ્ડિંગમાં ભભૂકી  ભયાનક આગ, ફાયર બ્રિગેડની ઉત્તમ બચાવ કામગીરી
ફસાયેલા તમામ 84 લોકોને યુદ્ધનાં ધોરણે બચાવ્યા, ઘાયલ ફાયરમૅન ભયમુક્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : આજે બપોર બાદ બાંદ્રામાં મહાનગર ટેલિફોન નિગમની નવ માળની ઇમારતમાં ભીષણ આગ ભભૂકી હતી. જોકે, ફાયર બ્રિગેડના સેન્ટર નજીકમાં જ આ બિલ્ડિંગ આવેલી હોવાથી મુંબઈ ફાયર બ્રિગેડે યુદ્ધનાં ધોરણે ટાંચાં સાધનો છતાં ઉત્તમ કક્ષાની રાહત અને બચાવ કામગીરી કરીને આગમાં ફસાયેલા 84થી વધુ કર્મચારીઓને બચાવી લીધા હતા અને શહેરની વધુ એક કાળમુખી દુર્ઘટના ટાળવામાં સફળતા મેળવી હતી. જોકે, આ અૉપરેશનમાં ફાયર બ્રિગેડના સાગર સાળવે નામના પચીસ વર્ષના કર્મચારીને આગની જાળ લાગી જતાં તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જે હવે ભયમુક્ત હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. 
ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે 14 ફાયર એન્જિન અને રોબો વૅન તેમ જ એમ્બ્યુલન્સ સહિતનાં ઉપકરણો સાથે આગ બુઝાવવાની કામગીરી તત્કાળ હાથ ધરવામાં આવી હતી અને મદદ માટે વધુ ફાયર સ્ટેશનોને સંદેશાઓ પાઠવાયા હતા. જોકે, મોડી સાંજે મળતી માહિતી પ્રમાણે આગ બુઝાવવા માટે પાલિકા એક કરોડ રૂપિયાના ખર્ચે રોબો લાવી છે, જેનો આજે પહેલીવાર આ બિલ્ડિંગમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં બહુ સફળતા મળી નહોતી. 
બપોર બાદ ત્રણેક વાગ્યે આગ લાગતાં જ ફાયર બ્રિગેડની ટીમ અટેન્શનમાં આવી ગઇ હતી અને શરૂઆતમાં જ એરિયલ લેડરની મદદથી 20 જણને બચાવાયા હતા, ત્યારે એવી વાત બહાર આવી હતી કે આગ લાગ્યા બાદ અગાસીએ પહોંચી ગયેલી લગભગ સો વ્યક્તિ હજુએ ફસાયેલી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અૉફિસ અવર્સમાં બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આગ લાગી ત્યારે ટેલિફોન અૉફિસનો સ્ટાફ અંદર હતો. નીચેના માળે હતા એ લોકો તત્કાળ બહાર આવી ગયા હતા, પરંતુ ત્રીજા અને ચોથા માળે તેમ જ બાકીના ઉપરના માળે હાજર હતા એ લોકો આગથી બચવા માટે અગાસીએ પહોંચી ગયા હતા.
ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓએ બિલ્ડિંગની લાઇટની મેઇન સ્વીચ બંધ કરી હતી અને બધાં અગાસીએ ચડી ગયા એ સમયસૂચકતાનું કામ કહેવાય. આગ લાગે ત્યારે આવું કરવાથી આગને ફેલાતી અટકાવવામાં તેમ જ ધુમાડા અને ગુંગળામણથી બચી શકાય છે. 
ફાયર બ્રિગેડે અગાસીમાં રહેલા લોકો સુધી પહોંચવા માટે એરિયલ લેડરની મદદ લેવા સાથે જ પાણીનો મારો બોલાવી આગ બુઝાવવાના જોરદાર પ્રયાસો શરૂ કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગ લાગ્યા બાદ બિલ્ડિંગની બહાર આવેલી એક મહિલાના જણાવ્યા પ્રમાણે અમે લિફ્ટથી પાંચમા માળેથી નીચે આવ્યા છીએ. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ધુમાડાઓ વચ્ચેથી કેટલાક લોકોને નીચે લાવતા હતા એ અમે જોયું હતું. સાતમા માળેથી બચાવીને લવાયેલી અન્ય એક મહિલાના જણાવ્યા પ્રમાણે આગ... આગની બૂમો પડતાં જ અમે બિલ્ડિંગની સીડીઓ તરફ દોડી ગયા હતા, ત્યાં ચોમેર ધુમાડા સિવાય કંઇ જ નજરે નહોતું પડતું, પરંતુ અમે હિંમત કરીને અૉફિસના બારી દરવાજા બંધ કરી દીધાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ અમને બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડે મોડી સાંજે જણાવ્યું હતું કે આગ કાબૂમાં આવી ગયા બાદ પણ ત્રીજા, ચોથા અને પાંચમા માળે સર્ચ અૉપરેશન ચાલી રહ્યું છે, કેમ કે કોઇ ફસાયું નથી એની ખાતરી કરવાની છે તેમ જ આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ ફરીથી કોઇ કારણોસર ન ભભૂકે એની પણ તકેદારી રાખવાની છે. આગ લાગવાનાં કારણોની તપાસ શરૂ કરી દેવાઇ છે. આગમાંથી તમામ 84 લોકોને બચાવી લેવાયા એ અમારા માટે સંતોષની વાત છે.
બિલ્ડિંગોનાં સ્ટ્રક્ચરલ અને ફાયર અૉડિટનાં ભ્રષ્ટાચાર : કૉંગ્રેસ
બાંદ્રાસ્થિત એમટીએનએલ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ કૉંગ્રેસના નેતા અશોક ચવાણે આક્ષેપ કર્યો હતો કે શિવસેનાની સત્તા હેઠળની મુંબઈ પાલિકામાં બિલ્ડિંગોનાં સ્ટ્રક્ચરલ અૉડિટ અને ફાયર અૉડિટનાં નામે મસમોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કૉંગ્રેસના નવા પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે પાલિકામાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે મુંબઈ દુર્ઘટનાઓનું મહાનગર બની ગયું છે અને વારંવાર બનતી આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ નાગરિકોના જીવ જાય છે. આગની ઘટના વિશે ચવાણે કહ્યું હતું કે અહેવાલ પ્રમાણે નવ માળની આ બિલ્ડિંગનું અને ફાયરનું અૉડિટ તો હજુ ગયા વર્ષે જ કરાયું હતું. આમ છતાં આગ લાગી તેનું કારણ ભ્રષ્ટાચાર સિવાય શું હોઇ શકે?
થોરાતે રાજ્ય સરકાર સામે નિશાન સાધતાં કહ્યું હતું કે આગજની અને બિલ્ડિંગ હોનારતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. રાજ્ય સરકારે પાલિકાના ભ્રષ્ટાચાર સામે રાજકીય કારણોસર આંખ મિચામણા કરી રાખ્યા હોવાથી લોકો મૃત્યુના મુખમાં ધકેલાઇ રહ્યા છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer