આખરે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ, અવકાશમાં ભારતે રચ્યો ઈતિહાસ

આખરે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ, અવકાશમાં ભારતે રચ્યો ઈતિહાસ
48 દિવસમાં ચંદ્ર પર પહોંચી
14 દિવસ રહીને માહિતી પાઠવશે
શ્રીહરિકોટા, તા. 22 (પીટીઆઈ): યાંત્રિક ખામીના કારણે વિઘ્ન સર્જાયાના એક અઠવાડિયા બાદ સોમવારની બપોરે 2 અને 43 મિનિટે ભારતે ચંદ્રયાન-2 છોડીને અવકાશની દુનિયામાં એક મોટી છલાંગ લગાવતાં અવકાશ ક્ષેત્રે સફળતાનો એક નવો જ ઈતિહાસ રચ્યો હતો.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટર પરથી `બાહુબલી' તરીકે જાણીતા જીએસએલવી માર્ક-3 રોકેટથી અવકાશયાન ચંદ્રયાન-2 છોડીને ભારતે દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપી દીધો હતો.
આજે લોન્ચિંગ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 3,84,000 કિ.મી.નું અંતર છે, જે કાપતા ચંદ્રયાન-2ને કુલ 48 દિવસ લાગશે. આ સફરના અંતે યાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઊતરશે. ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચી જે બે હિસ્સામાં વિભાજિત થશે.
એક હિસ્સો કક્ષામાં ચંદ્ર પર રહેશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બે હિસ્સા ચંદ્ર પર 14 દિવસ રહેશે. આ ચંદ્રયાન-2ની મહત્ત્વાકાંક્ષી પરિયોજનાની કિંમત 978 કરોડ રૂપિયા છે. ચંદ્રની સપાટી પરથી લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન પાસેથી જાણકારી મેળવીને ઓર્બિટર ધરતી પર ભારતના વૈજ્ઞાનિકોને પહોંચાડશે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો) દ્વારા છોડાયેલા ચંદ્રયાન-2નું કુલ વજન 3.8 ટન (3850 કિલોગ્રામ) છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર 7 સપ્ટેમ્બર, 2019ના ઉતરાણ કરશે.
ચંદ્રયાન-2 ઓર્બિટરનું વજન 42379 કિલોગ્રામ છે. આ ઓર્બિટરના મિશનનું આયુષ્ય એક વર્ષનું છે.
સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં આ ઓર્બિટર ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ઓર્બિટરના માધ્યમથી જ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ધરતી પર મોજૂદ ઈસરોના વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહેશે.
ચંદ્રયાન-2 લોન્ચની 17 મિનિટમાં જ પૃથ્વીની કક્ષામાં પહોંચી જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સફળતાને વધાવીને ગૌરવશાળી ક્ષણ?ગણાવી હતી.
ચંદ્રયાન-2નું સફળ?લોન્ચીંગ વૈજ્ઞાનિકોના અથાગ પરિશ્રમ અને 130 કરોડ ભારતીયોની  ઇચ્છાશક્તિનું પરિણામ છે તેવું કહેતાં શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ વિજ્ઞાનના નવા આયામ ખોલશે. આજે દરેક ભારતીય ગર્વ અનુભવતો હશે.
ઇસરોના વૈજ્ઞાનિકોને વધામણી આપતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, આ મિશન નવી શોધોને જન્મ આપશે તેવી આશા સાથે સફળતાની શુભકામના.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer