NSEL: રોકાણકારોના કરોડો રૂપિયા છૂટા કરવા પોલીસની પહેલ

મુંબઈ, તા. 23 : રૂા. 5600 કરોડની છેતરપિંડીના કેસમાં સિટી પોલીસે રૂા. 740 કરોડની 67 પ્રોપર્ટીઝ પર ટાંચ મારી હતી તેના ઓક્શનની પ્રક્રિયા અટકી પડેલી છે, કારણ કે આ સમાન પ્રોપર્ટીઝ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પણ ટાંચ મારેલી હતી. આ કેસ નેશનલ સ્પોટ એક્સ્ચેન્જ લિમિટેડ (એનએસઈએલ) સંબંધિત રહ્યો છે. સિટી પોલીસની આર્થિક ગુના પાંખ (ઈઓડબલ્યુ) ઈડીને લખીને તેના ઓક્શન માટે તેનું `નો ઓબ્જેક્શન' આપે એમ ઇચ્છે છે. શ્રેણીબદ્ધ અનિયમિતતાને લઈને પોતાનાં ફસાયેલાં નાણાં પાછાં મળે તેની 13000 રોકાણકારો રાહ જોઈ રહ્યા છે.
સિટી પોલીસ વતી જે સત્તાવાળાઓએ જપ્ત થયેલ પ્રોપર્ટીઝનું ઓક્શન હાથ ધર્યું હતું તેણે રોકાણકારોનાં નાણાં પરત કરવાનો પ્રથમ તબક્કો પૂરો કર્યો છે. ઓક્શન થકી પ્રાપ્ત નાણાં 12,735 રોકાણકારોને ગયા વર્ષે સરખા રેશિયો થકી પરત કરાયા હતા. હવે આ વર્ષના જાન્યુઆરીમાં રૂા. 100 કરોડના રિફન્ડનો બીજો હપ્તો શરૂ થવાનો હતો જે હજી અટકેલો છે.
આ ટાંચ મારેલી પ્રોપર્ટીઝમાં મોહન ઇન્ડિયાની 20 છે, જેમાં નવી દિલ્હીમાંના ફ્લેટો, જમીનના પ્લોટ્સ, બંગલાઓ સમાવિષ્ટ છે. તો ટિમ્બર ટ્રેઈલ ટ્રાવેલ ટુડે પ્રા. લિ.ની રૂા. 16 કરોડ, ગુજરાતમાંની એન. કે. પ્રોટીન્સની ફૅક્ટરીઓ, લુધિયાણાની એ. આર. કે. ઇમ્પોર્ટ્સ પ્રા. લિ.ના રૂા. 200 કરોડથી વધુના જમીનના પ્લોટ્સ રહેલા છે. ઈઓડબલ્યુએ એનએસઈએલથી 826 પ્રોપર્ટીઝ પર ટાંચ મારી છે.
અદાલતે આ કેસ બાબતે હજી કોઈ નિર્ણય લીધો નથી. લિલામનો મુદ્દો બે એજન્સીઓ વચ્ચે અટવાયેલો છે. આ કેસોમાં નાણાં ગુમાવનારા ઇન્વેસ્ટરો તે પરત મેળવવા પોલીસની અૉફિસો પર ચક્કર મારી રહ્યા છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer