બાંદરાના 32 હજાર ફોન `ડેડ''

મુંબઈ, તા. 23 : બાંદરાની એમટીએનએલ બિલ્ડિંગમાં લાગેલી આગને લઈ એમટીએનએલના માળખાને ભારે નુકસાન થયું હોઈ આ વિસ્તારના લગભગ 32 હજાર કરતા પણ વધુ ટેલિફોન જોડાણ પર તેની અસર પડી છે. એમટીએનએલની સેવા પૂર્વવત્ થવા માટે ઓછામાં ઓછા દસ દિવસ લાગવાની શક્યતા છે.
ટેલિફોન કેબલને આગ લાગ્યાને લઈ ભારે નુકસાન થયું છે. એક એક્સ્ચેન્જ ઊભું કરવા માટે લગભગ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેને લઈ નુકસાનીનો ચોક્કસ આંક જાણવા મળ્યો નથી. આ કાર્યાલયમાંથી લેન્ડલાઈન, લીઝ લાઈન, બ્રૉડબેન્ડ સેવા પૂરી પાડવામાં આવતી હતી. આ વિસ્તારના જોડાણો પૂર્વવત્ કરવા માટે ઓછામાં ઓછા દસ દિવસ લાગવાની શક્યતા છે. બીજા એક્સ્ચેન્જ પાસેથી લાઈન લઈને આ જોડાણ શરૂ કરવા માટે લગભગ 2થી 3 દિવસ લાગવાના હોઈ આ પરિસરની ટેલિફોન સેવા બેથી ત્રણ દિવસ સંપૂર્ણ બંધ રહેશે.
મુંબઈ એમટીએનએલના બીજા વિસ્તારોના કર્મચારીઓને આ એક્સ્ચેન્જમાં વાળીને કામ પૂર્વવત્ કરવાના પ્રયાસો થવાના છે. એમટીએનએલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હોઈ આગની આ ઘટનાથી કર્મચારીઓમાં ભારે નિરાશા ફેલાઈ છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer