મેઘો મન મૂકીને વરસતાં ખરીફ પાકને જીવતદાન

મેઘો મન મૂકીને વરસતાં ખરીફ પાકને જીવતદાન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23 : રાજ્યમાં વરસાદના લાંબા વિરામ બાદ મેઘો મન મૂકીને વરસતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે. ફરી વરસાદથી ખરીફ પાકને જીવતદાન મળ્યું છે. છેલ્લા 14 દિવસમાં 29.33 મિ.મી. વરસાદ વરસતાં 15.72 ટકા ખરીફ વાવેતર વધ્યું છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્  રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની પડી શકે છે. જો કે, આ સિસ્ટમ હાલ નબળી પડી છે, પરંતુ આગામી 26 જુલાઇએ એક નવી સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો રાજ્યભરમાં વરસાદ થશે.
દરમિયાન અમદાવાદમાં ગઇકાલે રાતે ધોધમાર વરસાદ વરસતાં અમદાવાદીઓનો પણ અંતે હાશ બોલવાનો મોકો મેઘાએ આપ્યો હતો. મેઘાની મહેર થતા અમદાવાદના જીવમાં જીવ આવ્યો હોય તેવો આનંદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં સપાટો તો કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડયાં હતાં. અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરીજનોએ ગરમીમાંથી છુટકારો મેળવ્યો હતો. 
લાંબા અંતરાલ પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ સવારીથી આનંદની લહેર વ્યાપી ગઇ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના તમામ તાલુકામાં સારો વરસાદ થયો છે. ભારે વરસાદથી ગોંડલથી અમરેલી અને બગસરાનો રસ્તો બંધ કરાયો છે. અમરેલીના સાવરકુંડલા, તુસલીશ્યામ અને ગીરપંથકમાં પણ મેઘરાજી મન મૂકીને વરસ્યાં હતાં. લાંબા વિરામ અને ઇન્તેજારી પછી વરસાદ વરસતાં લોકોમાં આનંદ છવાઇ ગયો હતો. તો હરમાં ભારે વરસાદથી સાવજેએ ઊંચા ડુંગર પર આશરો લીધો હતો.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer