ખરીદદારો વતી બીલ્ડર હપ્તા નહીં ભરી શકે

ખરીદદારો વતી બીલ્ડર હપ્તા નહીં ભરી શકે
મુંબઈ, તા. 23 : રિયલ એસ્ટેટ ડેવલપર્સ હવેથી ખરીદદારોની લોનના હપ્તા (ઇએમઆઈ) ચૂકવી તેમને લાભ અપાવી નહીં શકે. નેશનલ હાઉસિંગ બૅન્ક (એનએચબી)એ મોરગેજ કંપનીઓને બીલ્ડરો, ડેવલપરો દ્વારા બોરોઅર્સ વતી લેણા ચૂકવવા માટેની લોન પ્રોડકટ્સ આપવામાંથી દૂર રહેવા જણાવ્યું છે. આ પરિપત્ર બીલ્ડરો માટેના ફંડના એક સૌથી સસ્તા ત્રોતનો ખાતમો બોલાવી દેશે. અનેક ડેવલપર્સ ફક્ત પાંચ ટકા ચુકવણીથી ખરીદદારોને ફ્લેટ બુક કરવાની મંજૂરી આપતા હતા, જ્યારે બાકીની રકમ ઇએમઆઈથી ડિલિવરી પર રીપે કરવાની બાંહેધરી આપતા હતા.
એનએચબીએ સર્વપ્રથમ નવેમ્બર, 2013માં સબવેન્શન સ્કીમ્સ (જેમાં બીલ્ડર વ્યાજનો હિસ્સો ચૂકવે છે) સામે ચેતવણી આપી હતી. એનએચબીને અનેક ફરિયાદો મળવાનું ચાલુ રહ્યું હતું. વધુમાં સબવેન્શન સ્કીમનો ઉપયોગ કરી ચોક્કસ બીલ્ડરો દ્વારા કથિતપણે ઠગાઈ આચરવાના બનાવો પણ એનએચબીના ધ્યાનમાં લાવવામાં આવ્યા હતા, એમ 19 જુલાઈના પરિપત્રમાં  રેગ્યુલેટરે જણાવ્યું હતું.
`અમે આવી લોન્સ આપતા નથી' એમ જણાવતાં એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના એમડી વિનય શાહે ઉમેર્યું હતું કે આની પાછળનો ઉદ્દેશ હોય લોન્સ દ્વારા કન્સ્ટ્રક્શન ફાઈનાન્સ ઊભું કરી ડેવલપર્સના જોખમને ડીસ્કરેજ કરવાનો હતો.
આ પગલાંથી ડેવલપર્સની લિક્વિડિટી પર અસર થશે તેમ જ આવી યોજનાઓને કારણે મોટે ભાગે પ્રોજેક્ટ તરફ આકર્ષિત થનારા ખરીદદારો નિરુત્સાહ બનશે, એમ એનારોક પ્રૉપર્ટી કન્સલ્ટંટ્સના અધ્યક્ષ અનુજ પુરીએ જણાવ્યું હતું.
ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવવા મુજબ મોટે ભાગે ડેવલપર્સ હાઈ-વેલ્યૂ લક્ઝરી પ્રૉપર્ટીઝ પર આ રૂટનો ઉપયોગ કરી પ્રોજેક્ટ પૂરો થવા પહેલાં નાણાં ઊભા કરે છે. એક બૅન્કરે જણાવ્યું હતું કે આ પગલું ઉદ્યોગ માટે સકારાત્મક હતું કેમ કે તે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો અને બૅન્કો વચ્ચેના કેટલાક રેગ્યુલેટરી આર્બિટ્રેજને કાઢી નાખશે.
દરમિયાન લેન્ડર્સ નિર્માણાધીન એપાર્ટમેન્ટ્સને લોન આપવા માટે સ્વતંત્ર છે, પરંતુ જોગવાઈ એ છે કે તે બાંધકામના તબક્કા સાથે સંકળાયેલી હોવી જોઈએ.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer