પાકિસ્તાનમાં પરફોર્મ કરવા બદલ ગાયક મીકા સિંહ પર મુકાશે પ્રતિબંધ?

પાકિસ્તાનમાં પરફોર્મ કરવા બદલ ગાયક મીકા સિંહ પર મુકાશે પ્રતિબંધ?
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યા સંબંધો છે ત્યારે ગાયક મીકા સિંહે પાકિસ્તાનના ધનિકની દીકરીના લગ્નમાં પરફોર્મ કરતાં બૉલીવૂડ અને તેના ચાહકો રોષે ભરાયા છે. પોતાના બેન્ડ સાથે પાકિસ્તાન ગયેલા મીકાએ ઊંચી ફીની લાલચમાં આ પગલું લીધું હોવાથી હવે બૉલીવૂડમાં તેના પર પ્રતિબંધ મૂકવાનું નિર્ણય લેવામાં આવશે. ફિલ્મોદ્યોગ વતી વાત કરતા અશોક પંડિતે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ માણસમાં વિવેકબુદ્ધિ જેવું કશું છે? તેને સંવેદનશીલતાના `સ'ની ખબર છે? કે પછી તેના મગજમાં માત્ર પૈસાની લાલચ જ ભરેલી છે? આજે દેશ કયા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે તેની તેને ખબર નથી? આવા સમયે તે પાકિસ્તાનમાં પરફોર્મ કરવા ગયો અને તે પણ પરવેઝ મુશર્રફ જેવી વિવાદાસ્પદ વ્યક્તિના સંબંધીને ત્યાં યોજાયેલા લગ્નપ્રસંગમાં? તેને પાકિસ્તાની વિઝા કોણે આપ્યા? આ બાબતે ગંબીર તપાસ થવી જોઇએ. 
દરમિયાન મીકા પર બૉલીવૂડના ગીતોના રેકોર્ડિંગ્સ, લાઇવ પરફોર્મન્સીસ અને પ્લેબેક ગાયકી માટે પ્રતિબંધ મુકવાની દિશામાં  પગલું લેવાની તજવીજ ચાલે છે. અશોકે કહ્યું કે, તમામ ફિલ્મ ફેડરેશન્સ અને પ્રોડયુસર્સ ઍસોસિયેશનની બેઠક મળશે અને તેઓ મીકા સિંહ બાબતે સર્વાનુમતે ઠરાવ પસાર કરશે. આથી ભારતમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer