પાકિસ્તાનમાં ડેવિસ કપ ટીમ રમી શકવાની સ્થિતિમાં નથી

મુકાબલો અન્યત્ર ખસેડવા ભારતીય ટેનિસ સંઘની આઇટીએફને અપીલ 
નવી દિલ્હી તા.13: અખિલ ભારતીય ટેનિસ સંઘ (એઆઇટીએ)ના સેક્રેટરી હિરનમોય ચેટર્જીએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિ જોતાં ડેવિસ કપ માટે આપણા ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવાની સ્થિતિમાં નથી. આ મામલે અમે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ) સાથે ચર્ચા કરવા સમય માંગ્યો છે. અમારી માંગ ઇસ્લામાબાદમાં રમાનાર ડેવિસ કપનો મુકાબલો અન્યત્ર સ્થળાંતરિત કરવામાં આવે. પાકિસ્તાનમાં સ્થિતિ સારી નથી તેની જાણ અમે આઇટીએફને કરી છે અને આ મુકબલા પર સમીક્ષા કરવા અપીલ કરી છે.
ચેટર્જીએ જણાવ્યું કે આઇટીએફના જવાબ બાદ અમે આખરી નિર્ણય લેશું. નિશ્ચિત કાર્યક્રમ અનુસાર ભારતીય ડેવિસ કપ ટીમ પપ વર્ષ બાદ પાકિસ્તાન રમવા જવાની હતી, પણ જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 મોદી સરકારે હટવ્યા બાદથી બન્ને દેશના રાજનીતિક સંબંધ વધુ વણસ્યા છે. ડેવિસ કપ ટીમ છેલ્લે પાકિસ્તાનમાં 1964માં રમી હતી.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer