અદાણી બિલમાં 10 ગણો વધારો કરે છે : કૉર્પોરેટર

મુંબઈ, તા. 13 : કાંદિવલીના રહેવાસીઓએ ફરી જૂનમાં અદાણી ઈલેક્ટ્રિસિટી કંપનીએ મોકલેલા વીજ બિલમાં અસાધારણ વધારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી છે. સ્થાનિક કોર્પોરેટર પ્રતિભા ગીરકરે જણાવ્યું હતું કે અદાણી કંપનીએ કાંદિવલીના તેના ગ્રાહકોના જૂન મહિનાના બિલમાં લગભગ દસ ગણો વધારો કરી રૂા. 10,000થી રૂા. 15,000 જેટલાં વીજ બિલ મોકલ્યાં છે.
આવા મોટા ભાગના ભારે બિલો મહાવીર નગર, રેણુકા નગર અને દહાણુકર વાડીના વીજ વપરાશકારોને જ્યારે કેટલાક ગોરેગાંવ પૂર્વના રહેવાસીઓને મોકલવામાં આવ્યાં છે.
મહાવીર નગરના ધવલ શાહે જણાવ્યું હતું કે `મે મહિનાનું બિલ 800 રૂપિયા હતું પરંતુ જૂનમાં અચાનક રૂા. 4000નું બિલ આવ્યું હતું. મેં આ અંગે કોર્પોરેટરને તેમ જ અદાણીની દીંડોશી સ્થિત હેડ અૉફિસે ફરિયાદ કરી હતી.'
ગોરેગાંવ પૂર્વના ગણેશ હલવાઈએ કહ્યું હતું કે `હું ઍરકંડીશનર વાપરતો નથી છતાં તેનું મે મહિનાનું રૂા. 800નું બિલ જૂનમાં વધીને રૂા. 2000 થઈ ગયું હતુ. મેં દીંડોશીની અૉફિસે ફરિયાદ કરી પરંતુ મને કોઈ જવાબ મળ્યો ન હતો.'

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer