લોકલ ટ્રેનોમાંથી પ્રવાસીઓની બૅગ ચોરતી ટોળકીની ધરપકડ

મુંબઈ, તા. 13 : લોકલ ટ્રેનોને મુંબઈની `લાઇફલાઇન' કહેવાય છે. દરરોજ લગભગ 75 લાખ પ્રવાસીઓ લોકલમાં પ્રવાસ કરે છે. આથી તેમાં હંમેશાં ગિરદી જ રહે છે. આ ગિરદીનો ફાયદો ઉપાડીને લોકલમાંથી પ્રવાસીઓનો સામાન ચોરતી એક ટોળકીને રેલવે પોલીસે જેલનો રસ્તો બતાવ્યો છે.
લોકલના પ્રવાસીઓ તેમની બૅગ કે સામાન સામાન્ય રીતે ડબામાં રેક પર મૂકે છે. અનેક પ્રવાસીઓ સતત મોબાઇલમાં વ્યસ્ત હોય છે તો કેટલાક ઊંઘમાં. તેઓ સામાન પ્રત્યે બેધ્યાન હોય છે અને આજ તકનો લાભ આ ટોળકી ઉપાડતી હતી.
આ ટોળકીની `મોડસ ઓપરેન્ડી' એવી હતી કે તેના સભ્યો તેમની પાસેની ખાલી બૅગ રેક પર મૂકતા હતા અને તેની બાજુમાં પડેલી પ્રવાસીની બૅગ લઈને પછીના સ્ટેશને ઊતરી જતા હતા અને જો કોઈનું ધ્યાન જાય તો પોતાનાથી ભૂલથી એ બૅગ લેવાઈ ગઈ હતી એમ કહીને બચી જતા હતા. આથી આ ટોળકી `બૅગ એક્સ્ચેન્જ ગૅંગ' તરીકે પણ કુખ્યાત થઈ છે. આ બધા ચોરટાઓ ડી. બી. માર્ગ, બે ટાંકી વિસ્તારની ફૂટપાથ પર રહે છે.
પોલીસને મળેલી માહિતી બાદ તેમણે બાન્દ્રા-ગોરેગામ રેલવે સ્ટેશનો વચ્ચે છટકું ગોઠવીને ટોળકીના ચાર શખસની ધરપકડ કરી હતી. પોલીસે પ્રવાસીઓને પોતાના સામાન પર ધ્યાન રાખવાની અપીલ કરી છે.
 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer