અંધેરીના ગોખલે બ્રિજને નવેસરથી બાંધવાની યોજના

મુંબઈ, તા. 13 : ગયા વર્ષે અંધેરી સ્ટેશન નજીકના ગોખલે બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડયો હતો, આ બ્રિજનું નવેસરથી બાંધકામ બે વર્ષમાં થઇ જવાની ધારણા છે. ગોખલે બ્રિજના નવેસરથી બાંધકામ માટે પાલિકા 87 કરોડ રૂપિયાનું બીડ બહાર પાડવાની તૈયારીમાં છે. આ બ્રિજનું કામ ચાલશે એ દરમિયાન ટ્રાફિકની અવર-જવર આંશિક રીતે બંધ કરાશે. 
ગયા વર્ષે ત્રણ જુલાઈના આ બ્રિજનો રાહદારી ભાગ તૂટીને રેલવેના ટ્રેક પર પડયો હતો, કાટમાળ માથે પડવાથી બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમ જ પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પણ ઠપ થઇ હતી. 
અંધેરી પૂર્વ અને પશ્ચિમમાં અવર-જવર માટે આ મહત્ત્વનો બ્રિજ છે. આ અકસ્માત બાદ આ બ્રિજને એક તરફથી રિપેરિંગ માટે બંધ કરાયો હતો. બાદમાં એક કેરિજવેની મદદથી બંને તરફના ટ્રાફિકની અવર-જવરની વ્યવસ્થા કરાઇ હતી. રેલવેએ પોતાની હદમાં આવતા રાહદારી પૂલનું ફરીથી બાંધકામ કરાવીને આ વર્ષે જૂનમાં ફરીથી ખુલ્લો મુક્યો હતો. 
કેરિજવેનું અૉડિટ કરાવાતા પાલિકાને અહેવાલમાં જણાવાયું હતું કે આ બ્રિજ હવે રિપેર થઇ શકે એમ નથી, તેથી તેને ફરીથી બાંધવાનું જ યોગ્ય રહેશે. પાલિકા હવે રેલવે સત્તાવાળાઓ સાથે મળીને આ બ્રિજને હટાવીને નવેસરથી બાંધવાની યોજના તૈયાર કરી રહી છે. પાલિકાએ આ બ્રિજની સાથે જ ત્યાં સ્કાયવૉકની પણ યોજના કરી છે, જેનો ઉલ્લેખ ટેન્ડરના દસ્તાવેજોમાં પણ છે. પાલિકાએ કોન્ટ્રેક્ટર સામે એવી શરત પણ રાખી છે કે બ્રિજના નવેસરથી બાંધકામ દરમિયાન ટ્રાફિક ચાલુ જ રાખવાનો છે અને રાહદારીઓને પણ અડચણ ન પડવી જોઇએ.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer