પૂરની નુકસાની પેટે મહારાષ્ટ્ર કેન્દ્ર પાસે માગશે 6183 કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આવેલા ભયાનક પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાનને પહોંચી વળવા માટે 6183 કરોડ રૂપિયા જેટલી રકમ કેન્દ્ર સરકાર પાસે માગવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય પ્રધાન ફડણવીસે કૅબિનેટની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં પહેલીથી નવમી અૉગસ્ટ દરમિયાન અતિવૃષ્ટિને કારણે અત્યાર સુધીનો સહુથી વધારે અથવા કેટલીક જગ્યાએ ત્રણ ગણો વરસાદ પડયો છે. ભારે વરસાદ કે ભરાયેલાં પાણીને કારણે નુકસાન પામેલાં ઘરોને પૂર્ણપણે રાજ્ય સરકાર બાંધી આપશે. વરસાદથી થયેલા નુકસાનના પંચનામાંનું કામ પૂર થાય પછી કેન્દ્ર સરકાર પાસે માગવામાં આવેલી રકમની પુન:સમીક્ષા કરીને સુધારેલો પ્રસ્તાવ મોકલવામાં આવશે. પ્રથમ પ્રસ્તાવ વરસાદથી ભારે નુકસાન પામેલા કોલ્હાપુર, સાંગલી અને સાતારા માટેનો હશે. તેના માટે રૂા. 4700 કરોડ માગવામાં આવ્યા છે. કોંકણ, નાશિક અને શેષ મહારાષ્ટ્ર માટે રૂા. 2105 કરોડ માગવામાં આવ્યા છે એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
મદદ અંગેના નિયમો અને જી.આર.માં કોઈ ફેરફાર અથવા સંબંધિત બાબતો વિશે નિર્ણય લેવા માટે મુખ્ય પ્રધાનના વડપણ હેઠળ ખાસ સમિતિ રચવામાં આવી છે.
ઉપરાંત પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાંથી રહેવાસીઓનું સ્થળાંતર કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. તેના માટે નિષ્ણાતોની સમિતિ રચીને અભ્યાસ હાથ ધરવામાં આવશે. પશ્ચિમ ઘાટમાં જોખમી પરિસરમાંથી ધીમેધીમે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ કામ માટે નાણાં આપે તેની રાહ જોયા વિના એસ.ડી.આર.એફ.માંથી મદદ આપવામાં આવી રહી છે. મૃત વ્યક્તિઓ માટે 300 કરોડ રૂપિયા, બચાવકાર્ય માટે 25 કરોડ રૂપિયા, કામચલાઉ છાવણીઓ માટે 27 કરોડ રૂપિયા, પાકના નુકસાન માટે 2088 કરોડ રૂપિયા, મૃત્યુ પામેલાં પ્રાણીઓ માટે 30 કરોડ રૂપિયા, જળસંપદા માટે 168 કરોડ રૂપિયા, જાહેર આરોગ્ય માટે 75 કરોડ રૂપિયા, શાળાના ઓરડા, સરકારી ઇમારતોનાં સમારકામ તેમ જ પાણીપુરવઠા માટે 125 કરોડ રૂપિયા અને નાના વેપારીઓને નુકસાનની 75 ટકા રકમ અથવા 50,000 રૂપિયા આપવામાં આવશે એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer