બૉલીવૂડના સ્ટાર્સ સંકટગ્રસ્તોને મદદ કરે છે, પબ્લિસિટી નથી કરતા : અમિતાભ બચ્ચન

સુપરસ્ટારે કહ્યું, પૂરગ્રસ્તોની સહાય માટે મેં મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી છે 
મુંબઈ, તા.13 : કોલ્હાપુર અને સાંગલી જિલ્લાના પૂરગ્રસ્તોને મદદની જાહેરાત સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આજે `કૌન બનેગા કરોડપતિ' ટીવી શો સંબંધી પત્રકાર પરિષદમાં કરી હતી. બચ્ચને કહ્યું હતું કે મેં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મદદ સંબંધી ચર્ચા કરી હતી અને મુખ્ય પ્રધાન સહાયતા નિધિમાં હું મદદ રાશી જમા કરાવીશ. 
પૂરગ્રસ્તોની મદદ માટે બૉલીવૂડ કેમ આગળ નથી આવતું? એવા સવાલના જવાબમાં સુપરસ્ટારે કહ્યું હતું કે બૉલીવૂડના કેટલાય સ્ટાર્સ હંમેશાં મદદ માટે પહેલ કરે જ છે, પરંતુ તેની પબ્લિસિટી નથી કરતા. આનું એક ઉદાહરણ તમારી સામે હું પોતે છું. મેં પૂરગ્રસ્તોની મદદ માટે ફડણવીસ સાથે ચર્ચા કરી છે અને બનતી મદદ આપીશ.
છેલ્લા બે દાયકાથી ટીવી શો કૌન બનેગા કરોડપતિનું અદ્ભુત સંચાલન કરનારા બિગ બીએ કહ્યું હતું કે  આ શોના સંચાલનની અૉફર મને પહેલીવાર મળી ત્યારે મને સલાહ આપવામાં આવી હતી કે મારે ટીવી શો ન કરવા જોઇએ. જોકે, આ એક આકસ્મિક કામ મને મળ્યું હતું, મારો ઇરાદો નહોતો છતાં મેં સંભાળ્યું હતું. ત્યારે મને મારા હિતેચ્છુઓ તેમ જ પરિવારના સભ્યોએ પણ ટીવી પર શો ન કરવાની સલાહ આપી હતી. મારા મનમાં ત્યારે કંઇક નવું કરવાની ધગશ જાગી હતી અને મેં આ શોનું સંચાલન સંભાળવાની તૈયારી દાખવી હતી.  
 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer