અંધેરીના પ્રોફેસરને 37 લાખ રૂપિયા પાછા મળ્યા

કવીઓ સમાજની આર્થિક કટોકટીમાં ફસાયેલા રોકાણકારોને મળી રહી છે રાહત
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 13 : કચ્છી વીસા ઓસવાળ સમાજમાં સર્જાયેલી આર્થિક કટોકટીના નિવારણ માટે કચ્છી સહિયારું અભિયાન તનતોડ મહેનત કરે છે જેનાં સારાં પરિણામ પણ મળ્યાં છે. આ અભિયાન સમાજ માટે બન્યું છે અને સમાજના છેવાડાના માણસ સુધીના તમામને મુશ્કેલીમાંથી બહાર લાવીને જ જંપશે.
આ લાગણી દર્શાવતાં ધીરજભાઈ છેડા `એકલવીર' અને અનિલભાઈ ગાલા (વડાલા)એ જણાવ્યું કે અંધેરીમાં એક કચ્છી અધ્યાપકનાં નાણાં પાર્ટી પાસે ફસાયાં હતાં. ઘણી મહેનત કર્યા છતાં સમસ્યાનો અંત આવ્યો નહિ અને આ અધ્યાપક જીવનનો અંત આણી દેવા પર આવી ગયા હતા. આવા નાજુક સમયે અમે બન્નેએ અતિમહેનત કરીને રૂા. 37 લાખ કઢાવ્યા છે. આ સિવાય બે કે પાંચ લાખ નીકળતા હોય એવા નાના લેણદારોના પ્રશ્નો ઉકેલ્યા છે.
નાણાં દલાલ અતુલ ભારાણી મારફત એક પાર્ટી પાસે પૈસા અટકયા હતા. આ પાર્ટીએ વિરારમાં પાંચ ફ્લૅટ અને લોનાવલામાં બે બંગલો વેચીને નાણાં ચૂકવી આપવા સંમતિ દર્શાવીને જનરલ પાવરનામું લખી આપ્યું છે. વાગડની એક નામાંકિત પેઢીએ દસથી બાર હજાર ફૂટ જગ્યા લખી આપવા વચન આપ્યું છે. આવી રીતે પોતાની મિલકત વેચીને નાના માણસોને નાણાં ચૂકવ્યાં છે.સહિયારું અભિયાનના કાર્યકર્તાઓ ધીરજ છેડા `એકલવીર' કિશોર સાવલા, ભરત ગાલા, હિતેશ સાવલા, અનિલ ગાલા (વડાલા) અઠવાડિયામાં ત્રણ દિવસ શનિ, બુધ અને સોમવારે અભિયાન કાર્યાલય સાયન અૉફિસે બેસે છે.
1999થી જેમનાં નાણાં સલવાયાં હતાં તેમને વ્યાજ સાથે પાછા અપાવ્યા છે અને હજુ પણ જંગ જારી છે. અભિયાન શરૂ થયું ત્યારથી આજ સુધી અથાક મહેનત કરે છે. જેના પણ નાણાં અટવાયેલાં હોય તેઓ ધાકધમકી કે શેહશરમમાં આવ્યા વિના અભિયાનના કાર્યાલયે જરૂર આવે.
ધીરજ છેડા `એકલવીર' અને અનિલ ગાલા (વડાલા)એ જણાવ્યું કે, અમુક ડિફોલ્ટરો ખોટી વાતો ફેલાવે છે, ગેરમાર્ગે દોરે છે. તેમની વાતોમાં આવવું નહિ, અભિયાન કાર્યાલયમાં રૂબરૂ મુલાકાત લઈને ખાતરી કરી લેવા વિનંતી છે. બાકી સહિયારું અભિયાન ગમે તેવા સંજોગોમાં લેણદારોની સાથે છે અને સાથે જ રહેશે.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer