પાલિકાએ મેટ્રોકાર શેડ બાંધવા 2600 ઝાડ કાપવાની વિવાદાસ્પદ દરખાસ્તને મંજૂરી આપી

અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 13 : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ મેટ્રો-થ્રી માટે કારશેડ બાંધવા 2600 જેટલાં વૃક્ષ કાપવાની દરખાસ્તને આજે સુધાર સમિતિની બેઠકમાં મંજૂરી આપી હતી. અનેક પર્યાવરણપ્રેમીઓ અને એક્ટિવિસ્ટોએ એમએમઆરડીએની આ દરખાસ્તનો વિરોધ કરવા આંદોલન ચલાવ્યું હતું અને અદાલતનો આશરો પણ લીધો હતો.
બૉમ્બે હાઈ કોર્ટે ટ્રી અૉથોરિટી વિરુદ્ધનો મનાઈહુકમ હટાવ્યો એના એક દિવસ બાદ પાલિકાએ કારશેડ બાંધવા આડે આવતા ઝાડને કાપવાની/ટ્રાન્સપ્લાન્ટ કરવા નોટિસ બહાર પાડી હતી. પાલિકાએ આ દરખાસ્ત અંગે સૂચનો અને વાંધાઓ મગાવ્યાં હતાં. નાગરિકોને આ માટે દસ અૉક્ટોબર સુધીનો સમય અપાયો હતો. વેબસાઇટમાં કહેવાયું હતું કે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને 2238 ટ્રીને કાપવા અને 446 ટ્રીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પરવાનગી માગી છે. પાલિકાએ જાન્યુઆરીથી કુલ 5245 ઝાડ કાપવા માટે નોટિસ આપી છે. ટ્રી અૉથોરિટીમાં નિષ્ણાતો (વનસ્પતિશાત્રીઓ) હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે તેમની નિમણૂક કર્યાં વગર અૉથોરિટીના કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, પાંચ એક્સપર્ટના નિમણૂક બાદ મનાઈહુકમ હાઈ કોર્ટે ઉઠાવી લીધો હતો. પાલિકાએ ઝાડ કાપવાની દરખાસ્ત વેબસાઇટ પર મૂકી છે. ત્યાર બાદ તેને 82,000 વાધાવચકા મળ્યા છે. આની જાહેર સુનાવણીમાં પણ આદિવાસી સહિત અનેક પર્યાવરણપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આજે આ બધાને ફગાવીને ઝાડ કાપવાની મંજૂરી અપાઈ હતી.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer