તાડદેવમાં ડેવલપરે વેપારીને રેફ્યુજ એરિયામાં ફ્લૅટ આપી કરી છેતરપિંડી

મુંબઈ, તા. 13 : ડેવલપરે રેફ્યુજ એરિયામાં વેપારીને ફ્લેટ આપતા તેણે તાડદેવ પોલીસ સ્ટેશનમાં ડેવલપર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 
મલબાર હિલ પરિસરમાં પરિવાર સાથે રહેતા વેપારી રાજીવ ઝવેરીનો આયાત-નિકાસના બિઝનેસમાં છે અને ગિરગાવમાં તેમની અૉફિસ છે. ઝવેરીના પિતા રમણીકલાલના નામે તાડદેવની તુલસીવાડીમાં 1000 ચોરસ ફૂટની જગ્યા હતી. 1999માં સેટેલાઈટ હોલ્ડિંગ નામની કંપનીએ આ જગ્યાનો રિડેવલપ કરવા માટે કરાર કર્યા હતા. કરારના  જણાવ્યા મુજબ ઝવેરીની માલિકીની જગ્યાના બદલામાં બાંધવામાં આવી રહેલા ઠક્કર ટાર્વસમાં એક ફ્લેટ ડેવલપરે આપવાનો હતો. તે માટે ઝવેરીએ 1,58,400 રૂપિયા કંપની પાસે જમા કરાવ્યા હતા. ત્યારબાદ ઝવેરીના પિતરાઈ ભાઈએ આ જ ઈમારતમાં ફ્લેટ બુક કરીને કરારનામું કર્યું હતું. 
દરમિયાન, ઈમારતનું કામકાજ ચાલુ હતું ત્યારે 11 જૂન 2016ના રોજ રમણીકલાલ અવસાન પામ્યા હતા. 2009માં ઝવેરીના પિતરાઈ ભાઈએ બુક કરેલા ફ્લેટને વેચાણ માટે મુક્યો હોવાની જાહેરાત એક પેપરમાં જોઈ હતી. પોતાની સાથે પણ આવું ન બને એટલે ઝવેરીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કોર્ટે આશ્વાસન આપતા ફ્લેટના દરવાજા પર તાળુ મારીને પિતા રમણીકલાલના નામની તક્તિ લગાડી હતી. તેમ જ ફ્લેટના રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડયૂટીના 2,34,150 રૂપિયા અને દંડના 4,68,300 રૂપિયા તહેસીલદાર કાર્યાલયમાં ભર્યા હતા. ત્યારબાદ પૈસા ભરીને ફ્લેટના કરારનામાની નોંધણી પણ કરાવી હતી.
ઠક્કર ટાવરની સોસાયટી બનાવવા માટે બોલાવેલી મિટિંગમાં ઝવેરીને ખબર પડી કે તેમનો ફ્લેટ રેફ્યુજ એરિયામાં ગયો છે. ત્યારબાદ ઝવેરીએ ડૅવલપરની અૉફિસમાં સંપર્ક કર્યો ત્યારે 2007 માં પાલિકાએ મંજુર કરેલા નવા મુસદા મુજબ આ ફ્લેટ રેફ્યુજ એરિયા અંતર્ગત આવતો હોવાનું કહી તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. પાલિકાએ ડૅવલપરને બદલામાં બીજો ફ્લેટ આપવાનું કહ્યું હતું. પરંતુ ડૅવલપરે ન તો તે ફ્લેટ નિયમિત કર્યો હતો કે ન તો તેની બદલીમાં બીજો ફ્લેટ આપ્યો હતો. પોતાની સાથે છેતરામણી થઈ હોવાનું ઝવેરીને સમજાતા તેણે તાડદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer