મનમોહન રાજ્યસભામાં બિનવિરોધ ચૂંટાઈ આવવાનું હવે નિશ્ચિત

ભૂતપૂર્વ વડા પ્રધાનની સામે ઉમેદવાર ઊભો નહીં રાખવાનો ભાજપનો નિર્ણય
જયપુર, તા.13: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે રાજ્યસભાની પેટાચૂંટણી માટે પોતાનું નામાંકન પત્ર દાખલ કરી દીધું છે. રાજસ્થાન વિધાનસભાનાં ચૂંટણી અધિકારી સમક્ષ મનમોહન સિંઘે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, કોંગ્રેસનાં પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે સહિતનાં રાજ્યનાં અનેક મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપ તરફથી પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખવાનો નિર્ણય લેવાયો હોવાથી મનમોહન બિનવિરોધ ચૂંટાઈ આવવાનું નિશ્ચિત છે.
ભાજપનાં રાજ્યસભા સદસ્ય મદનલાલ સૈનીનાં નિધનથી તેમની બેઠક ખાલી થઈ છે. રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસનાં બહુમતને ધ્યાને રાખતા પેટાચૂંટણીમાં મનમોહન સિંઘનાં વિજયની સંભાવના મજબૂત છે.
રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો છે. જેમાંથી બે ખાલી પડી છે. કોંગ્રેસ પાસે કુલ 100 ધારાસભ્યો છે. જ્યારે તેનાં ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય લોકદળ પાસે એક વિધાયક છે. ભાજપ પાસે 72 અને બસપાનાં છ, ભારતીય ટ્રાઈબલ પાર્ટી, સીપીએમ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીનાં બે-બે ધારાસભ્યો છે. 13 અપક્ષ વિધાયકો છે. સત્તારૂઢ કોંગ્રેસ પાસે 12 અપક્ષ અને બસપાનાં ધારાસભ્યોનું સમર્થન પણ છે. આમ મનમોહન સિંઘને રાજ્યસભામાં પ્રવેશ વધુ કઠિન જણાતો નથી.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer