ભારતને વિશ્વમંચ પર ભીડવવાના પાકના ધમપછાડાનો રકાસ : કોઈ ગાંઠતું નથી

નવી દિલ્હી તા.13: પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે બંધારણની કલમ 370 રદ કરવાની જાહેરાત કર્યા પછી પાકિસ્તાન,  આંતરરાષ્ટ્રીય મંચ પર નવી દિલ્હીને ભીડવવા એકધારા પ્રયાસ કરતું આવ્યુ છે જો કે અવારનવારના પ્રયાસ છતાં ઈસ્લામાબાદ આ બારામાં કયાંય થીય સપોર્ટ મેળવવામાં વિફળ રહ્યું છે. બલકે પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ કબૂલી લીધું છે કે સંયુકત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાંથી અપેક્ષા મુજબનો ટેકો તેને મળે તેમ નથી.
અમેરિકા અને રશિયા જેવી વિશ્વસત્તાઓ આ મામલામાં ચંચુપાત કરવાનો ઈનકાર કરી ચૂકી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે, બંધારણની કલમ 370 રદ કરવાના નિર્ણય બારામાં નવી દિલ્હીએ વોશિંગ્ટનને વાકેફ રાખી હોવાના અહેવાલોને સ્પષ્ટપણે નકારતા જણાવ્યુ હતું કે બે દેશો વચ્ચે કોઈ મસલત થઈ ન હતી.
આ ગતિવિધિના પ્રતિક્રિયા આપતાં રશિયાએ પણ નવી દિલ્હીના નિર્ણયને ઓલરેડી ટેકો આપતાં જણાવ્યુ હતું કે કલમ 370 રદ કરાયો છે તે ભારતીય બંધારણના માળખા મુજબ કરાયુ છે.સંકળાયેલા પક્ષકારો આ પ્રદેશની પરિસ્થિતિ વધુ ન વકરવા ન દ્યે તેવી આશા રાખીએ છીએ એમ મોસ્કોએ નિવેદનમાં જણાવ્યુ છે.
સંયુકત આરબ અમીરાતની પ્રતિક્રિયા પણ ભારતની તરફેણમાં છે. બલકે યુએઈના ભારતમાંના રાજદૂતે એટલે સુધી જણાવ્યુ હતું કે નવી દિલ્હીનું આ પગલું આ પ્રદેશમાંના વહીવટને અસરકારક બનાવવામાં મદદરૂપ થશે. સાઉદી અરેબિયા, ઈરાન અને તૂર્કી જેવા મધ્ય પૂર્વના ચાવીરૂપ દેશો આ ગતિવિધિનો મૂક પ્રતિસાદ આપ્યો છે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ બેઉ સંયમ વર્તે એવો તેઓનો પ્રતિસાદ રહ્યો છે. પાકનું  સર્વકાલીન મિત્રદેશ ચીન પણ આ પ્રશ્ને નવી દિલ્હી સામે વાચાળ થવાથી દૂર રહ્યું છે.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer