કાશ્મીરની મુલાકાત માટે વિમાનની જરૂર નથી, વિપક્ષી નેતાઓને લોકોને મળવા દો : રાહુલ

રાજ્યપાલ મલિકે કરેલી અૉફર સામે આપી તીવ્ર પ્રતિક્રિયા
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : કાશ્મીરની મુલાકાત લેવા રાહુલ ગાંધી માટે વિમાનની વ્યવસ્થા કરવાની જમ્મુ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે અૉફર કરી હોવાના એક દિવસ પછી આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ આમંત્રણનો સ્વીકાર કરે છે, પરંતુ રાજ્યના લોકો, મુખ્ય ધારાના નેતાઓ અને ત્યાં તહેનાત સૈનિકોને મળવા મુક્તપણે પ્રવાસ કરવાની વિનંતી કરે છે.
ગવર્નર મલિકને સંબોધીને કરેલા ટવીટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે તેઓ આ નિમંત્રણ સ્વીકારે છે જેથી જમ્મુ કાશ્મીર અને લદાખની મુલાકાત લઈ શકે. જોકે, વિમાનની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યું હતું. `વહાલા ગવર્નર મલિક, જમ્મુ અને કાશ્મીર તેમ જ લદાખની મુલાકાત લેવા હું અને વિપક્ષના નેતાઓનું પ્રતિનિધિમંડળ તમારું આમંત્રણ સ્વીકારે છે, પરંતુ ત્યાંના લોકો, મુખ્ય ધારાના નેતાઓ અને તહેનાત સૈનિકોને મળવા અમને મુક્ત રીતે પ્રવાસ કરવાની ખાતરી આપજો' એમ ગાંધીએ ટવીટ કર્યું હતું.
ખીણમાં હિંસાની રાહુલ ગાંધીએ ટિપ્પણી કર્યા બાદ મલિકે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવા રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ જમ્મુ-કાશ્મીરની જમીની હકીકત જાણવા ગાંધી ત્યાં જઈ શકે તે માટે વિમાન મોકલશે.
`મેં રાહુલ ગાંધીને અહીં આવવાનું આમંત્રણ આપ્યું છે. હું ત્યાંની સ્થિતિનો તાગ લેવા તમારા માટે વિમાન મોકલીશ અને ત્યાર બાદ તમે જે કહેવું હોય તે કહેજો. તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારે આવી રીતે બોલવું ન જોઈએ' એમ મલિકે જણાવ્યું હતું.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer