સરકારે ગેરબંધારણીય રીતે કલમ 370 દૂર કરી : પ્રિયંકા

હત્યાકાંડગ્રસ્ત સોનભદ્રમાં પીડિતોને મળ્યા બાદ કૉંગ્રેસ મહામંત્રીના પ્રહાર
સોનભદ્ર, તા. 13 : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને દૂર કરવા અંગે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં નિર્ણયને બિનબંધારણીય  ગણાવીને નિંદા કરી છે. પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના સોનભદ્ર સ્થિત ઉમ્ભા ગામ પહોંચ્યા હતા જ્યાં તેઓએ થોડાક દિવસ પહેલાં જમીન વિવાદને લઇને થયેલા હત્યાકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી. 
પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે, સરકારે કલમ 370ને દૂર કરવાને લઇને લોકશાહી મૂલ્યોનું પાલન કર્યું નથી. કલમ 370ને દૂર કરવાનો આ તરીકો સંપૂર્ણપણે બિનબંધારણીય છે. જ્યારે આવા નિર્ણય કરવામાં આવે છે ત્યારે કેટલાક નિયમો પાળવાના જરૂરી હોય છે પરંતુ કલમ 370ના મામલામાં આવા કોઇ નિયમ પાળવામાં આવ્યા નથી.  ગયા સપ્તાહમાં જ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનારી કલમ 370ને દૂર કરવાના મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં જોરદાર વિરોધ કર્યો હતો. અલબત્ત જ્યોતિરાદિત્ય સિંધિયા, જનાર્દન દ્વિવેદી જેવા કેટલાક મોટા કોંગ્રેસી નેતાઓએ પાર્ટી લાઈનથી દૂર થઇને મોદી સરકારના નિર્ણયની સાથે ઊભેલા દેખાયા હતા અને કહ્યું હતું કે, આ નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો છે. 
 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer