જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વિશે સરકાર વિપક્ષોને વિશ્વાસમાં લે : આનંદ શર્મા

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : કૉંગ્રેસે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષના નેતા આનંદ શર્માએ એવો દાવો કર્યો હતો કે રાજ્યમાં વહીવટ તંત્ર ઠપ થઈ ગયું છે અને સમાચારો અને સંદેશ વ્યવહારની સુવિધાથી લોકો વંચિત છે. પરિસ્થિતિનો અભ્યાસ કરવા વિપક્ષના નેતાઓને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાની સરકારે છૂટ આપવી જોઈએ એવી માગણી પણ તેમણે કરી હતી.
વિપક્ષના નેતાઓને વિશ્વાસમાં લઈને રાજકીય મંત્રણાનો પ્રારંભ કરવાનો અને મુક્ત રીતે રાજ્યની મુલાકાત લેવાની છૂટ આપવાનો સરકારને અનુરોધ કરતા કૉંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાની છૂટ આપવી જોઈએ અને કાશ્મીરમાં નજરકેદ હેઠળ રખાયેલા તમામ નેતાઓને છોડી મૂકવા જોઈએ જેથી તેઓ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે.
`સરકારે એકપક્ષી નિર્ણય લઈને નિયંત્રણો લાદયાં છે ત્યારે અમે સરકારને રાજકીય મંત્રણા શરૂ કરવાનો અને વિપક્ષના તમામ નેતાઓને વિશ્વાસમાં લેવાનો અનુરોધ કરીએ છીએ' એમ શર્માએ વધુમાં જણાવ્યું હતું. `કોઈ પણ રાજકીય નેતાને ગવર્નરની મહેમાનગતિ જોઇતી નથી. અમે વિપક્ષના નેતાઓ મુક્ત રીતે રાજ્યમાં જઈ શકે એવી માગણી કરીએ છીએ જેથી દેશ અને વિશ્વ જાણી શકે કે રાજ્યમાં બધું બરોબર છે અને ચિંતાનો કોઈ વિષય નથી' એમ શર્માએ વધુમાં જણાવ્યું હતું.
વિપક્ષના નેતાને શ્રીનગર ઍરપોર્ટ પર શા માટે રોકવામાં આવ્યા અને તેમને આગળ જવા દેવાયા નહીં આ બાબત ભારતની છબી માટે સારી નથી. પ્રત્યેક નાગરિકને બંધારણીય અધિકાર મળેલો છે. આપણે જ્યારે નાગરિકોને કાયદાનું પાલન કરવાનું કહીએ છીએ ત્યારે સરકારે પણ બંધારણીય અધિકારોને માન આપવું જોઈએ' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આનંદ શર્માએ મોદી સરકાર સમક્ષ ત્રણ માગણીઓ મૂકી હતી. પ્રથમ તો સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી જેમ બને તેમ જલદી નિયંત્રણો ઉઠાવી લેવા જોઈએ. બીજું અટકાયત હેઠળના વરિષ્ઠ નેતાઓને તુરંત મુક્ત કરવા જોઈએ અને ત્રીજું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને જમ્મુ-કાશ્મીર જવાની છૂટ આપવી જોઈએ જેથી તે મોદી સરકાર સાથે મંત્રણા કરી શકે.
 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer