દાઉદની ડૉનગીરીની શરૂઆતની અજાણી વાતો બહાર આવશે

દાઉદની ડૉનગીરીની શરૂઆતની અજાણી વાતો બહાર આવશે
ડીઆરઆઇના પૂર્વ વડા બી. વી. કુમારના પુસ્તક `ડીઆરઆઇ ઍન્ડ ડૉન્સ'નું આજે વિમોચન
મુંબઈ, તા. 13 : `હું બે નંબરના ધંધા કરું છું, પરંતુ લેખિતમાં આવી કબૂલાત નહીં કરું,' એવું અંડરવર્લ્ડના ડૉન દાઉદ ઇબ્રાહિમે વર્ષ 1983માં ગુજરાત પોલીસે તેને પકડયો ત્યારે જણાવ્યું હતું. ગુજરાત પોલીસે દાઉદને પકડયા બાદ ત્યારે જ તેના વિરુદ્ધ કસ્ટમ્સ વિભાગ દ્વારા દાણચોરી અને હવાલાના માધ્યમથી નાણાંની હેરાફેરીના કેસો પણ કરાયા હતા. જોકે, તે સમયે દાઉદ ડૉન નહોતો, પરંતુ મુંબઈના અન્ડરવર્લ્ડ પર કબજો જમાવવા માટે આલમઝેબની પઠાણ ગૅન્ગ સામે મેદાને પડયો હતો અને સોના-ચાંદીની દાણચોરી તેમ જ સંગઠીત ગુનાખોરીમાં સંડોવાયેલો હતો, મુંબઈને ધ્રુજાવનારા વર્ષ 1993ના શ્રેણીબદ્ધ બૉમ્બ કાંડને અંજામ આપીને નાસી ગયેલો ડૉન હાલમાં પાકિસ્તાનના કરાચીમાં રહે છે અને વૈશ્વિક આતંકવાદી જાહેર થયેલા દાઉદ ઇબ્રાહિમના શરૂઆતના દિવસોની આવી અનેક જાણી અજાણી વાતો ડિરેક્ટોરેટ અૉફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના પૂર્વ ડિરેક્ટર જનરલ (1985-89) બી. વી. કુમારના પુસ્તક `ડીઆરઆઇ ઍન્ડ ધ ડૉન્સ'માં છે.
ગુજરાત પોલીસે દાઉદને પકડયો ત્યારે કુમાર ગુજરાતના કસ્ટમ્સ કમિશનર પદે હતા અને તેમણે દાઉદની પૂછપરછ પણ કરી હતી. 14 અૉગસ્ટના મુંબઈમાં કુમારના પુસ્તકનું વિમોચન થવાનું છે, આ પુસ્તકમાં 1970-80ના દાયકામાં મુંબઈમાં દાઉદ ગૅન્ગની શરૂઆત અને આલમઝેબની ગૅન્ગની એ સમયની સંગઠીત ગુનાખોરી તેમ જ દાણચોરીની કુપ્રવૃત્તિઓ વિશે ડીઆરઆઇના ટોચના અધિકારી તરીકે કુમારે જે કેસોની નજીકથી તપાસ કરી હતી તેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે.
દાઉદ ગૅન્ગમાં તેના ભાઇઓ સબીર (હયાત નથી) અને અનીસ હાજી મસ્તાન માટે માલની હેરાફેરી કરતા અને અયુબ લાલા તેમ જ સઇદ બાટલા જેવા આલમઝેબના ગૅન્ગસ્ટરો સાથે તેમનો સંઘર્ષ થતો રહેતો. સોના-ચાંદી, ટૅક્સટાઇલ અને ઇમ્પોર્ટેડ ઘડિયાળો જેવા સામાનની દાણચોરીમાં એ સમયે આલમઝેબના માણસો કરિમ લાલાની પઠાણ ગૅન્ગ માટે કામ કરતા, એમ કુમારનું કહેવું છે. 
ગુજરાત પોલીસે જૂન 1983માં દાઉદને ઝાલ્યો ત્યારે કુમારે તેમની પૂછપરછ કરી હતી, દાઉદનો સામનો કરવાનો કુમારનો આ પહેલો પ્રસંગ હતો. એ સમયે એક સાગરિતે પિસ્તોલની ગોળી છોડી હતી જે દાઉદને ગળામાં વાગી હતી, તેનો ઘાવ હજુ તાજો હતો.
કુમારે આ ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે એ સમયે દાઉદ ગુજરાતના પોરબંદરથી મુંબઈ કારમાં આવવા નીકળ્યો હતો. એ સમયે જ આલમઝેબ મુંબઈથી પોરબંદર તરફ જતો હતો અને બંનેએ એકબીજાને સામસામી દિશામાં જતાં જોયા હતા. દાઉદના સાગરિતે ગોળી છોડી, પરંતુ નિશાન ચૂકી ગઇ અને દાઉદના ગળામાં વાગી હતી. હાઇવે પર ગોળીબારની માહિતી પોલીસને મળી હતી જેમાં દાઉદ અને તેનો સાગરિત પકડાયા હતા. દાઉદને બરોડાની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો ત્યારે બરોડાના પોલીસ કમિશનર પી. કે. દત્તાએ કુમારને દાઉદની પૂછપરછ કરવા હૉસ્પિટલમાં બોલાવ્યા હતા. 
કુમારના પુસ્તક પ્રમાણે દાઉદે મારી સામે મૌખિક કબૂલાત કરી હતી કે હું બે નંબરના ધંધા કરું છું, પરંતુ તેણે લેખિતમાં કબૂલાત આપવાનો ઇન્કાર કર્યો હતો. કુમાર બરોડાથી નીકળીને અમદાવાદ દાઉદનો કબજો મેળવવાનું વૉરંટ લેવા આવ્યા હતા અને ત્યાર બાદ દાઉદની દાણચોરી અને હવાલા મારફતે નાણાંની હેરાફેરીના કેસમાં કોફેપોસાની કલમો હેઠળ ધરપકડ કરાઇ હતી.
દાઉદની ધરપકડ સામે ગુજરાત હાઇ કોર્ટમાં રિટ પિટિશન કરાઇ હતી અને દાઉદ તરફથી જાણીતા વરિષ્ઠ લોયર રામ જેઠમલાણી કોર્ટમાં હાજર રહ્યા એ પહેલા કુમારને મળવા તેમની અૉફિસે પહોંચ્યા હતા. કુમારે જેઠમલાણીને અપીલ કરી હતી કે તમે દાઉદની જેલ મુક્તિ માટે દલિલો ન કરતા કેમ કે જો તે જેલ બહાર નીકળશે તો આલમઝેબ તેને નહીં છોડે. પુસ્તકમાં જણાવાયું છે કે કુમારે આવી દલિલો કોર્ટમાં પણ કરી હતી અને કોર્ટે દાઉદને તેની પોતાની મરજીથી અને જોખમે શરતો સાથે જેલ મુક્ત કર્યો હતો.
કુમારે આલમઝેબની પણ મુંબઈ પોલીસના અધિકારીઓ સાથે પૂછપરછ કરી હતી. કુમારના મત પ્રમાણે આલમઝેબ ક્રૂર માનસિકતા ધરાવતો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે મુંબઈ ઍરપોર્ટની બહાર દાણચોરીનું સોનું આવે તેના પર મારા માણસોની નજર હોય છે અને ખેપિયાઓને આંતરીને માલ લૂંટી લઇએ અને ખેપિયાઓની હત્યા કરી નાખીએ. તેને સવાલ કર્યો કે તું નિર્દોષ લોકોની હત્યા શા માટે કરે છે તો આલમઝેબે કહ્યું હતું કે સાહેબ, હત્યા કરવાની હવે આદત પડી ગઇ છે.  

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer