શિવકથામાં ગર્ભસંસ્કારની શીખ

શિવકથામાં ગર્ભસંસ્કારની શીખ
બોરીવલીની જાંબલી ગલીમાં કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરનું શતાબ્દી પર્વ 
મુંબઈ, તા. 13 : બોરીવલી (પશ્ચિમ)ની જાંબલી ગલીમાં આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરની સ્થાપનાના શતાબ્દિ વર્ષના અવસરે શિવકથાનું આયોજન  કરાયું છે. જાંબલી ગલીની ભટ્ટની ચાલમાં ભટ્ટ પરિવાર તરફથી આયોજિત આ શિવકથામાં મોટા જીંજુડાના શ્રી ભોમેશ્વર આશ્રમના વિખ્યાત શિવકથાકાર શ્રી રાજુબાપુ વ્યાસાસને બેઠા છે. 
11 અૉગસ્ટે રોજ કથાનો પ્રારંભ થયો હતો. આજે ત્રીજા દિવસે રાજુ બાપુએ વ્યાસપીઠ ઉપરથી સતી માતા પ્રાગટયનો પ્રસંગ કહ્યો ત્યારે ઉપસ્થિત શ્રોતાઓએ ત્યાં રાસ ગરબા લઈ ઉત્સાહભેર સતીમાતા પ્રાગટયનો પ્રસંગ ઉલ્લાસભેર ઉજવ્યો હતો. શ્રોતાઓને ગર્ભસંસ્કાર વિશે માહિતી આપતા રાજુ બાપુએ કહ્યું હતું કે જ્યારે કોઈ દીકરી ગર્ભ સંસ્કાર ધારણ કરે છે ત્યારે તે સમયે શું તકેદારી કાળજી રાખવી, બહારની કોઈ વસ્તુના ખાવી, ફ્રીઝમાં રાખેલ વસ્તુ ખાવાથી શું સમસ્યા થાય છે, તેથી ના ખાવી જોઈએ. ધ્વની પ્રદૂષણ હોય તેવા વાતાવરણમાં વધારે ના જવું. ગર્ભ સમયે દીકરીએ સારા વિચારોમાં મગ્ન રહેવું તેથી જન્મનારા બાળક ઉપર કોઈ ખરાબ અસર ના પડે. આ ખરાબ અસરો કેવી રીતે પડે છે તે બાબતે તથા પતિ-પત્નીએ પણ પોતાના દામ્પત્ય જીવનમાં ધ્યાન રાખવું તથા આ સમયે પતિ-પત્ની એ વ્યસનથી શા માટે દૂર રહેવું અને તેવી ગર્ભ ધારણ કરનાર ત્રી ઉપર અને બાળક ઉપર શું અસર થાય છે તે ઉપર સવિસ્તૃત માહિતી આપી. 
કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે ભગવાન ભોળાનાથનો શણગાર દીવ્યા તરુણ ઠક્કર (ભટ્ટ) તથા મહારાજ શ્રી અજયભાઈ પંડિત દ્વારા અદ્ભુત રીતે 
કરવામાં આવે છે. દર સોમવારે મંદિરમાં ભક્તોનો મહેરામણ ઉભરાય છે. 
શિવકથાના વિવિધ પ્રસંગોમાં હવે 15 અૉગસ્ટ ગુરુવારે શિવ પાર્વતી વિવાહ 18 અૉગસ્ટ રવિવારે કાર્તિક જન્મ તથા ગણપતિ જન્મ, 19 અૉગસ્ટ સોમવારે પાર્થિવ શિવલિંગ બાર જ્યોતિલિંગ પૂજન બાદ કથાને વિરામ અપાશે. 
કથાનો સમય રોજ સાંજે 3થી 7 છે.  કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના વિક્રમ સંવત-1975 શ્રાવણ સુદ પૂનમના દિવસે શ્રી લક્ષ્મીદાસ પુરુષત્તમ ભટ્ટના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer