શૅરબજાર કડડભૂસ : સેન્સેક્ષ 624 પૉઇન્ટ ગગડયો

શૅરબજાર કડડભૂસ : સેન્સેક્ષ 624 પૉઇન્ટ ગગડયો
મુંબઈ, તા. 13 : શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં મૂડીરોકાણકારોએ જંગી નાણાં ગુમાવી દીધા હતા. સેંસેક્સ માટે મંગળવારનો દિવસ અમંગળકારી રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ અને નિફટી બંને ક્રમશ: 867 અને 244 પોઇન્ટ સુધી ઘટી ગયા હતા. કારોબારના અંતે સ્થિતિમાં અંશિક સુધારો થયો હતો. કારોબારના અંતે સેંસેક્સ 624 પોઇન્ટ ઘટીને 36958ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં સેંસેક્સની 30 કંપનીઓ પૈકીની 28 કંપનીઓના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. યશ બેંક,   એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. જ્યારે એક માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને સનફાર્માના શેરમાં તેજી જામી હતી. નિધટીમાં પણ 11000ની સાયકોલોજીકલ સપાટી તુટી હતી. નિફટી 184 પોઇન્ટ ઘટીને 10926ની નીચી સપાટીએ રહ્યો હતો. તમામ સેક્ટરલ કાઉન્ટરમાં મંદી રહી હતી. નિફટી ઓટો ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં ત્રણ ટકાનો અને બાંકિંગના શેરમાં 2.5 ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં 13348ની સપાટી રહી હતી તેમાં 321 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બીએસઈ સ્મોલકેપમાં 181 પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી 12518 રહી હતી તેમાં 1.43 ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.
 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer