અમદાવાદ સહિત દેશભરનાં શહેરોમાં ઍલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આવતીકાલે 15 અૉગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની  પ્રથમ ઉજવણી થઇ રહી છે ત્યારે આતંકવાદી હુમલાની દહેશતના પગલે અમદાવાદ સહિત દેશભરમાં હાઇ ઍલર્ટ જાહેર કરાયું છે, જેના પગલે દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે, જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યૂ અૉફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમ જ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ઍરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં દરિયાપુર, કાલુપુર, શાહપુર, જુહાપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે અને હથિયારો સાથે પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. 
કેન્દ્ર સરકારની ચેતવણીના પગલે ગુજરાત સરકાર ઍલર્ટ બની ગઇ છે . રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે.
હાઇ ઍલર્ટના આદેશોને લઇને પોલીસ સતર્ક બની ગઇ છે અને કોઇપણ પ્રકારની ભાંગફોડ પ્રવૃતિ ના બને તે માટે રાજ્યના પવિત્ર યાત્રાધામો, ઍરપોર્ટ, રેલવે સ્ટેશનો, એસ.ટી. બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરી સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer