ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ભૂમિગત પાર્કિંગ

મુંબઈ, તા. 14 : રસ્તા, નાકા, ગલી, ખુલ્લી જગ્યા જ્યા મળે ત્યા ઠેરઠેર ગેરકાયદે પાર્કિંગ મુંબઈની નવી ઓળખ બની ગયું છે. મુંબઈમાં દિવસે દિવસે ગાડીઓની સંખ્યા વધી જ રહી છે, પણ તેની તુલનામા પાર્કિંગ ઉપલબ્ધ નથી. તેના ઉપાયરૂપે પાલિકાએ હવે મેદાન, ઉદ્યાન, ક્રિડાંગણ અને ખુલ્લી જગ્યાની આરક્ષિત જમીન પર ભૂમિગત પાર્કિંગ બનાવવાનો નિર્ણય લીધો છે. પાર્કિંગ સ્ટેશન બનાવવાનું કામ બીલ્ડરોને સોંપવામા આવશે અને તેના બદલામાં તેમને ટ્રાન્સફર અૉફ ડેવલપમૅન્ટ રાઈટ્સ (ટીડીઆર) આપવામાં આવશે.
ભૂમિગત પાર્કિંગ માટે પાલિકાની માલિકીના મેદાન, ઉદ્યાન, ક્રિડાંગણ અને બગીચામાં આરક્ષિત ભાગ નક્કી કરીને તેની યાદી જાહેર કરવામાં આવશે, જે જગ્યા પર પહેલેથી જ ઉદ્યાન કે બગીચાનો વિકાસ કરવામાં આવ્યો છે તેનો આ યાદીમાં સમાવેશ કરવામા નહીં આવે, તેવી સૂચના પાલિકાના ધોરણમાં આપવામાં આવી છે. મનોરંજનના ઉદ્યાનો, મેદાન, ક્રિડાંગણની નીચે 70 ટકા જગ્યામાં પાર્કિંગ બનાવવામાં આવશે. બાકીની 30 ટકા જગ્યા માટે બીલ્ડરોને પાર્કિંગના બદલામાં ટીડીઆર આપવામાં આવશે, જેને બીલ્ડર ક્યા પણ વાપરી શકશે અને વેચી શકશે, તેમ સુધાર સમિતિના એક અધિકારીએ કહ્યું હતું.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer