કોસ્ટ ગાર્ડે મુંબઈ કિનારે હાઈ ઍલર્ટ જાહેર કરી

કોસ્ટ ગાર્ડે મુંબઈ કિનારે હાઈ ઍલર્ટ જાહેર કરી
મુંબઈ, તા. 14 : ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી)એ સ્વતંત્રતા દિવસ પૂર્વે મુંબઈ માટે હાઈ ઍલર્ટ જારી કર્યો છે અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલને આંતરવા માટે તેના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોસ્ટને રોશનીથી શણગારવાનો શહેરની પોલીસને અનુરોધ કર્યો છે.
આઈસીજીના રિજનલ કમાન્ડર (વે)એ સોમવારે મુંબઈ પોલીસને પત્ર લખી દરિયાઈ માર્ગે સંભવિત આતંકવાદી હુમલા અંગે `ગંભીર ઈન્ટેલિજન્સ ઈન્પુટ' મેળવ્યા બાદ કોસ્ટલ સિક્યુરિટી વધારવા જણાવ્યું છે. કોસ્ટ ગાર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે `હાલ દેશમાં પ્રવર્તતી તંગ સ્થિતિને ધ્યાનમાં લઈ હુમલાની શક્યતાઓ વધી ગઈ છે.
આઈસીજીના ઍલર્ટને પગલે નાયબ પોલીસ કમિશનર રશ્મી કરંદીકરે કોસ્ટલ હકુમતમાં આવેલાં પોલીસ સ્ટેશનોને સંવેદનશીલ સ્થળો ઓળખી કાઢવા અને રાત્રિ પેટ્રોલિંગ માટે સશત્ર પોલીસો તહેનાત કરવાની સૂચના આપી છે. પોલીસને મુંબઈના 70 લેન્ડિંગ સ્પોટમાં ઝળહળતી રોશની કરવા કહ્યું છે, જેથી શંકાસ્પદ જહાજોને ઓળખી શકાય.
પોલીસને લેન્ડિંગ પૉઈન્ટ્સની નજીક પાર્ક કરેલાં વાહનોની તપાસ કરવા પણ જણાવવામાં આવ્યું છે. શંકાસ્પદ આતંકવાદી તત્ત્વો દરિયા તટે આવેલી ઝૂંપડપટ્ટીઓમાં આશરો ન લે તેની સુધ્ધાં વિશેષ કાળજી લેવા કહેવાયું છે.
દરમિયાન, બીચો, મેન્ગ્રોવ્ઝ અને ફિશિંગ જેટ્ટીઝ પર પેટ્રોલિંગ વધારવામાં આવી છે તેમ જ પોલીસે માછીમારોને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા કહ્યું છે. લેન્ડિંગ પૉઈન્ટ્સ, દુકાનો ઉપરાંત કિનારે આવેલાં ધાર્મિક સંસ્થાનોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે.

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer