અમેરિકા- ચીન ટ્રેડવોર હળવી થતાં શૅરબજારમાં ઊછાળો

અમેરિકા- ચીન ટ્રેડવોર હળવી થતાં શૅરબજારમાં ઊછાળો
નિફ્ટીએ 11000નો સ્તર પાછો મેળવ્યો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : અમેરિકાએ ચીન ઉપર અગાઉ જાહેર કરેલા કેટલાક ટેરીફ મોકૂફ રાખવાનો નિર્ણય લેતાં એશિયા સાથે સ્થાનિક બજારમાં આજે સુધારો જોવાયો હતો. એનએસઈમાં નિફ્ટી ટ્રેડ દરમિયાન 11078ની ઊંચાઈએ પહોંચ્યા પછી નફાતારવણીથી થોડો ઘટયા છતાં ટ્રેડિંગ અંતે કુલ 104 પોઇન્ટ સુધારે 11029.40ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે બીએસઈ સેન્સેક્ષ 353 પોઇન્ટ વધીને 37312ના સ્તરે બંધ રહ્યો હતો. આજના સુધારામાં ક્ષેત્રવાર માત્ર ફાર્મા ઇન્ડેક્સમાં 1.5 ટકા ઘટાડા સિવાય તમામ ક્ષેત્રીય સૂચકાંક વધ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જરૂરી હશે તો આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરશે, એવી ચર્ચાથી શૅરબજારનું સેન્ટીમેન્ટ સુધર્યું હતું. નિફ્ટીનો મીડકેપ ઇન્ડેક્સ 114 પોઇન્ટ્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સ  51 પોઇન્ટ્સ વધ્યા હતા. નિફ્ટીના અગ્રણી 38 શૅરના ભાવ વધવા સામે 12 શૅરના ભાવ દબાણમાં રહ્યા હતા.
આજના સુધારામાં મુખ્ય સુધારો દર્શાવતા બજાજ ફીનસર્વ રૂા. 326, વેદાન્તા રૂા. 7, એસબીઆઈ રૂા. 6, મહિન્દ્રા રૂા. 11, ટીસ્કો રૂા. 16, ઝી રૂા. 14, ગ્રાસીમ રૂા. 24, એચડીએફસી રૂા. 18, ટેક મહિન્દ્રા રૂા. 19, બીપીસીએલ રૂા. 11, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 7, જેએસડબ્લ્યુ રૂા. 7, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 27, હીરો મોટર્સ રૂા. 67 અને એચયુએલમાં રૂા. 15નો સુધારો મુખ્ય હતો.
આજે ઘટનારા અગ્રણી શૅરમાં સનફાર્મા રૂા. 22, ઇન્ડિયાબુલ્સ રૂા. 22, ડૉ. રેડ્ડીસ રૂા. 44, કોટક બૅન્ક રૂા. 19 બ્રિટાનિયા રૂા. 33 ઘટયા હતા. ક્ષેત્રવાર ઇન્ડેક્સમાં સુધરનાર મીડિયા 2.76 ટકા, મેટલ 2 ટકા, બૅન્કેક્સ અને ઓટો 1 ટકા, પીએસયુ બૅન્ક 1.5 ટકા વધ્યા હતા.
આજે ઇન્ટ્રાડેમાં ફાર્મા ઇન્ડેક્સ પાંચ વર્ષના તળિયે ક્વોટ થયો હતો. વૈશ્વિક બજારમાં મુખ્યત્વે અમેરિકા-યુરોપમાં ભારતની જેનેરીક દવાઓના વેચાણમાં અનિશ્ચિતતાને લીધે ફાર્મા ક્ષેત્રે નવી નબળાઈ પ્રવેશી હોવાનું નિષ્ણાતો જણાવે છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં સામસામા પ્રવાહ
અમેરિકાએ મર્યાદિત સમય માટે ચીન પરના ટેરીફ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ જર્મનીના અર્થતંત્રમાં મંદીના અહેવાલે યુરોપનાં બજારો તૂટયાં હતાં. જ્યારે એશિયન બજારોમાં ધીમો સુધારો થયો હતો. અમેરિકાનો નાસ્દાક ઇન્ડેક્સ સકારાત્મક રહેવા સામે યુરો સ્ટોક્સ 500 0.4 ટકા અને ફ્રેંકફર્ટ અને પેરીસનાં બજારો ઘટયાં હતાં. જ્યારે એશિયામાં હૉંગકૉંગ હેંગસેંગ 21 પોઇન્ટ વધ્યો હતો. ચીનમાં શાંઘાઈ ઇન્ડેક્સ 12 પોઇન્ટ અને જપાનમાં નિફ્ટીમાં 200 પોઇન્ટનો સંગીન ઉછાળો નોંધાયો છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer