ટ્રેડવોરનું ટેન્શન હળવું થતા સોનું ઘટયું

ટ્રેડવોરનું ટેન્શન હળવું થતા સોનું ઘટયું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.14 : બુલિયન બજારમાં સોનાના ભાવમાં ગઇકાલે પૂરપાટ તેજી આવ્યા પછી કડાકો સર્જાયો હતો. ન્યૂ યોર્કમાં 1536 ડૉલર થયા પછી સોનું આજે 1505 ડૉલર સુધી ઘટીને સ્થિર થયું હતું. અમેરિકાએ ચીનની કેટલીક પ્રોડક્ટસ ઉપર જકાત લગાવવા માટે વધુ સમય આપ્યો છે તેના કારણે ટ્રેડવોરનું ટેન્શન હળવું થયું છે. છતાં રાજકીય અસ્થિરતા અને વૈશ્વિક આર્થિક વિકાસ ધીમો પડવાના ભયને લીધે સોનું 1500નું સ્તર જાળવી શક્યું છે.
નેશનલ અૉસ્ટ્રેલિયા બૅન્કના જોન શર્મા કહે છે, અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધની સ્થિતિ ટળી નથી. ભૂરાજકીય જોખમ હોંગકોંગમાં જેમનું તેમ છે. આર્થિક વિકાસની ચિંતા પણ છે અને અમેરિકા કદાચ આવનારા મહિનામાં વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવી શક્યતા છે. આ તમામ પરિબળો સોનાના ભાવને ટેકો આપશે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે એવું કહ્યું હતું કે ચીનથી આવનારી બાકીની વસ્તુઓ પર 10 ટકા જકાત સપ્ટેમ્બરથી લાગવાની હતી તેમાં અમે એક્સટેન્સન આપીશું. સેલફોન, લેપટોપ તથા અન્ય કન્ઝ્યુમર ગુડઝને એમાં છૂટ આપવામાં આવી છે. અમેરિકામાં તહેવારની ખરીદી એનાથી સુધરે એવી પણ શક્યતા છે. રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 37,200ની સપાટીએ સ્થિર હતો. ચાંદી એક કિલોએ રૂા. 42500 હતી. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 17.06 ડૉલર પ્રતિ ઔંસ હતો.
મુંબઈમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 278ના ઘટાડામાં રૂા. 37,670 અને ચાંદી કિલોએ રૂા. 605 વધીને રૂા. 43,675 હતી.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer