ખાંડની 60 લાખ ટન નિકાસ ઉપર સબસિડી આપવાની વિચારણા

ખાંડની 60 લાખ ટન નિકાસ ઉપર સબસિડી આપવાની વિચારણા
નવી દિલ્હી, તા.14 : સ્થાનિક બજારમાં ખાંડનો વધારાનો સ્ટોક ખાલી કરવા અને સ્થાનિક ભાવને ટેકો આપવા માટે ખાદ્ય પુરવઠા મંત્રાલય ટૂંક સમયમાં 2019-20 (અૉક્ટો-સપ્ટે.)માં ખાંડની 60 લાખ ટન જેટલી નિકાસ ઉપર સબસિડી આપવા માટે પ્રધાનમંડળની મંજૂરી લેશે, એમ સૂત્રોએ કહ્યું હતું. 
નાગરી પુરવઠા મંત્રાલય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમ અંતર્ગત ખાંડની નિકાસમાં પ્રતિ કિલો રૂા.10.50- રૂા.11ની સબસિડીની ભલામણ કરી શકે છે. સબસિડીમાં ખાંડને વખારથી બંદર સુધી લઈ જવાનો સંપૂર્ણ ખર્ચનો સમાવેશ કરવામાં આવશે, જેમાં લોડિંગ, ટ્રાન્સપોર્ટિંગ, દરિયાઈ ભાડું અને ઈન્સ્યોરન્સનો સમાવેશ થશે. 
વૈશ્વિક બજારમાં ભારતીય ખાંડ પહોંચાડવા માટે નિકાસ સબસિડી એકમાત્ર વિકલ્પ છે. વર્તમાન ખાંડ સિઝનમાં સરકારે આટલી માત્રાની જ નિકાસ સબસિડી આપી હતી. સબસિડીનો એક ભાગ મિલ્સ દ્વારા પિલાણ કરવામાં આવતી શેરડી માટે અને બીજો ભાગ મિલ્સથી નજીકના બંદરમાં ખાંડના ટ્રાન્સપોર્ટેશન માટે રહેશે. 
આ વર્ષે ભારત સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવી હતી, તેને બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ગ્વાટેમાલાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પડકારી હતી. આ દેશોનું કહેવું હતું કે ભારતની સબસિડીથી વૈશ્વિક બજારમાં ભાવ તૂટશે. યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, બ્રાઝિલ, કેનેડા અને રશિયાએ પણ ડબ્લ્યુટીઓમાં ભારતની ખાંડ નીતિ બાબતે પ્રશ્ન કર્યો હતો. ભારત વિરુદ્ધની ફરિયાદનો નિકાલ કરવા માટે ડબ્લ્યુટીઓ એક પેનલની રચના કરી શકે છે. 
આગામી ખાંડની સિઝનમાં ખાદ્ય પુરવઠા મંત્રાલય ડબ્લ્યુટીઓના માળખા અનુસાર ખાંડમાં સબસિડી આપશે. ડબ્લ્યુટીઓના એગ્રિમેન્ટ મુજબ ભારત ખાંડના ટ્રાન્સપોર્ટેશન, નૂરભાડાં, માર્કેટિંગ, હેન્ડલિંગ અને પ્રોસેસિંગમાં વર્ષ 2023 સબસિડી સુધી આપી શકશે. 
1.45 કરોડ ટન સ્ટોકની સાથે 2019-20માં કુલ સપ્લાઈ 4.27 કરોડ ટન થશે, જે 2.55-2.60 કરોડ ટનના વપરાશ કરતાં વધુ છે. આ વર્ષ માટે સરકાર પ્રતિ કિલો રૂા.3ની સબસિડીનો વિચાર કરી રહી છે. કાચી ખાંડનો અૉક્ટોબર વાયદો 10 મહિનાની નીચલી સપાટી પ્રતિ પાઉન્ડ 11.27 છે. જો આંતરરાષ્ટ્રીય ખાંડના ભાવ પ્રતિ પાઉન્ડ 11 સેન્ટ્સ અથવા તેનાથી નીચા રહે અને પ્રતિ કિલો રૂા.12ની સબસિડી અપાય તો નિકાસ વાજબી ગણાશે, એમ ઉદ્યોગનું માનવું છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer