ટેલરના અણનમ 86 રનથી કિવિઝના પાંચ વિકેટે 203

ટેલરના અણનમ 86 રનથી કિવિઝના પાંચ વિકેટે 203
શ્રીલંકા તરફથી પાંચે પાંચ વિકેટ અકિલા ધનંજયે લીધી
ગાલે (શ્રીલંકા), તા.14: શ્રીલંકા સામેની બે ટેસ્ટની શ્રેણી અને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રારંભિક મેચના પહેલા દિવસે પ્રવાસી ન્યુઝીલેન્ડની ટીમના પ વિકેટે 203 રન થયા હતા. વરસાદને લીધે રમત વહેલી બંધ રહી ત્યારે અનુભવી કિવિ બેટધર રોશ ટેલર 86 રને અને મિચેલ સેંટનર 8 રને ક્રિઝ પર હતા. શ્રીલંકા તરફથી તમામ પાંચ વિકેટ યુવા સ્પિનર અકિલા ધનંજયે લીધી હતી.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું. જીત રાવલ (33) અને ટોમ લાથમ (30) વચ્ચે પહેલી વિકેટમાં 64 રનની ભાગીદારી થઇ હતી.  ઉપરાઉપરી ત્રણ વિકેટ પડવાથી કિવિઝનો સ્કોર 3 વિકેટે 71 રન થયો હતો. કેપ્ટન કેન વિલિયમ્સન ઝીરોમાં પાછો ફર્યોં હતો. ચોથી વિકેટમાં રોશ ટેલર અને હેનરી નિકોલ્સે મોરચો સંભાળીને 100 રનની ભાગીદારી કરી હતી. નિકોલ્સ 78 દડામાં 2 ચોક્કાથી 42 રને આઉટ થયો હતો. બાદમાં વિકેટકીપર વેટલિંગ(1) નિષ્ફળ રહ્યો હતો. ટેલરે શ્રીલંકાના બોલરોનો મજબૂતીથી સામનો કરીને એક છેડો સાચવી રાખ્યો હતો. તે પહેલા દિવસની રમતના અંતે 131 દડામાં 6 ચોક્કાથી 86 રને અણનમ રહ્યો હતો. આથી ન્યુઝીલેન્ડના 68 ઓવરમાં પ વિકેટે 203 રન થયા હતા. અકિલા ધનંજયે પ7 રનમાં પ વિકેટ લીધી હતી.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer