લાલબાગચા રાજાએ પૂરગ્રસ્તો માટે 25 લાખ રૂપિયા આપ્યા

સચીન અને નાના પાટેકરે પણ મદદની જાહેરાત કરી
મુંબઈ, તા. 14 : લાલબાગચા રાજા ગણપતિ મંડળે મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે રૂપિયા 25 લાખની મદદ કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં ચિંચપોકલીના ચિંતામણી મંડળે રૂપિયા પાંચ લાખની મદદની જાહેરાત કરી હતી. 25 લાખની મદદ મુખ્ય પ્રધાન નિધિમાં જમા કરાવવામાં આવશે. એ ઉપરાંત લાલબાગચા રાજા ગણપતિમંડળ રાયગઢમાંના જુઈ ગામને દત્તક પણ લેશે અને એનું પુનર્વસન કરશે.
વંચિત બહુજન મોરચાના નેતા એડ. પ્રકાશ આંબેડકરે સાંગલીના બ્રહ્મનાળ ગામ દત્તક લીધું છે. આ ગામમાં બચાવ નૌકા ઊંધી વળી જતાં 17 લોકોના જીવ ગયા હતા. આ ગામની લોકસંખ્યા આશરે 3500ની છે.
ભારતરત્ન ક્રિકેટર સચીન તેંડુલકરે પણ ટ્વીટ કરીને પૂરગ્રસ્તોને મદદ કરવાની જાહેરાત કરી છે. તેણે બીજાઓને પણ મદદ કરવાની અપીલ કરી છે. સચીને વડા પ્રધાન સહાયતા નિધિમાં ફાળો જમા કરાવ્યો છે. સચીને પૂરગ્રસ્ત વિસ્તારોના ફોટા પણ ટ્વીટ કર્યા હતા.
અભિનેતા નાના પાટેકરે પણ પૂરગ્રસ્તો માટે મદદનો હાથ લંબાવ્યો છે. કોલ્હાપુરના શિરોળ ગામમાં 500 ઘર બાંધી આપવાની તેણે જાહેરાત કરી છે. નાના પાટેકર નામ ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા પણ ચલાવે છે. નાના પાટેકરે શિરોળ ગામની પરિસ્થિતિ પણ જોઈ હતી.
અત્યાર સુધી બૉલીવૂડના ઘણા કલાકારોએ પૂરગ્રસ્તોને મદદ કરવાની જાહેરાત કરી છે. મંગળવારે અમિતાભ બચ્ચને પણ આ વિશે મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી હોવાની ઘોષણા કરી હતી. અભિનેતા રિતેશ દેશમુખ અને જેનિલિયાએ પણ 25 લાખનો ફાળો નોંધાવ્યો છે. આ ઉપરાંત અનેક મરાઠી કલાકારોએ યથાશક્તિ ફાળો આપ્યો છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારી અને કર્મચારીઓએ રૂપિયા 17.72 લાખનો ફાળો કર્યો હતો અને આ રકમનો ચેક મુખ્ય પ્રધાનને અર્પણ કરાયો હતો.
પશ્ચિમ મહારાષ્ટ્ર દેવસ્થાન સમિતિએ પાંચ કરોડની મદદ કરી છે. આ ઉપરાંત ભાવિકોએ માતાજીને ચડાવેલી પાંચ હજાર સાડી આપવાનો પણ નિર્ણય ર્ક્યો છે. વિદ્યાર્થીઓને ભણવાની સામગ્રી આપવાનો પણ સમિતિએ નિર્ણય ર્ક્યો છે.
પવઈના શિવશંભો સામાજિક પ્રતિષ્ઠાને દહીંહંડી મહોત્સવ રદ ર્ક્યો છે. આ મંડળના કાર્યકરો છેલ્લા ત્રણ દિવસથી કોલ્હાપુરમાં પૂરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે. દહીંહંડી માટે મળનારા લાખો રૂપિયા પણ પૂરગ્રસ્તોની મદદ માટે આપશે.
 

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer