દાદરમાં પગથી ગાજર ધોતા વેપારી સામે કાર્યવાહી થઈ

મુંબઈ, તા. 14 : કુર્લા રેલવે સ્ટેશનની નજીક એક લીંબુ શરબતવાળો દૂષિત પાણીનો ઉપયોગ કરે છે. એવો વીડિયો થોડા મહિના પહેલાં વાઇરલ થયો હતો હવે દાદર પશ્ચિમની પાલિકાની માર્કેટમાં ગાજર પગ વડે ધોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આનો વીડિયો વાઇરલ થતાં સંકટમાં આવી ગયેલી પાલિકાએ આ બજારના સંબંધિત ગાળાધારકને દંડ કર્યો છે. તેમ જ બજાર વિભાગે તેને નોટિસ ફટકારી છે.
દાદર પશ્ચિમ ખાતે કાંતિસિંહ નાના પાટીલ મંડઇમાં ગાજર પગથી ધોતો હતો. એવો વીડિયો સોમવારે વાઇરલ થયો હતો. આના ઉગ્ર પ્રતિસાદ પડતાં પાલિકાના બજાર વિભાગે કાર્યવાહી કરી બજાર વિભાગના સહાયક આયુક્ત સંગીતા હસીનાળેએ બજારના ગાળા ક્રમાંક 83, 87, 89 અને 81 ને અસ્વચ્છતા કરવા બદલ દરેકને એક હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. છેલ્લા બે દિવસથી બજાર વિભાગે અહીં કાર્યવાહી શરૂ કરી હતી.
બુધવારે ગાળા નંબર 47,60, 55, 56, 129, 173, 186 પર ગંદકી કરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો. ગાળા ક્રમાંક 173, 186, 90, 152, 129, 66, 57 અને 60ને બજાર વિભાગે નિયમાનુસાર નોટિસ ફટકારી હતી. પાલિકાએ ગાજર ધોવાના 19 મોટા ડ્રમ અને એક નાના ડ્રમને પોતાના તાબામાં લીધા હતા. પાલિકાએ દાવો કર્યો હતો કે આથી ગાજર પગથી ધોવાનું બજારમાં બંધ થઈ ગયું છે. જોકે આવી કાર્યવાહીની બીજી બજારોમાં પણ જરૂર છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer