સંજીવ ભટ્ટને રાખડી બાંધવા મહિલાઓને લઇને જતા હાર્દિક પટેલને અટકાયત બાદ છોડી દેવાયા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14:કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા પામેલા અને ખોટો નોર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસમાં પાલનપુરની જેલમાં બંધ પૂર્વ આઇપીએસ અધિકારી  સંજીવ ભટ્ટને મળવા માટે જતા કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની પાલનપુર પોલીસે અટકાયત કરી હતી. સંજીવ ભટ્ટને રાખડી બાંધવા હાર્દિક પટેલ સહિત જે મહિલાઓ પાલનપુર જવા નીકળી હતી તેમને પાલનપુર પહોંચે તે પહેલા જ હાઇવે પર  પાલનપુર પોલીસ દ્વારા  રોકી લેવાઇ હતી. ત્યારે હાર્દિક પટેલ સાથે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને કૉંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત હતા. જો કે મોડાથી હાર્દિક પટેલને છોડી દેવાયા હતા. બાદમાં હાર્દિક પટેલે શહીદ થયેલા પાટીદાર પરિવારની મુલાકાત લીધી હતી અને શહીદ થયેલા પરિવારની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સાથે જ રાખડી બાંધ્યા બાદ હાર્દિક પટેલે ગીતાબેન પટેલને 100 રૂપિયા આપ્યા હતા ત્યારે શહીદ પરિવારે પણ હાર્દિકનો આભાર માન્યો હતો અને હાર્દિક પટેલ પણ કઇંક સારું કરવાની ખાતરી આપી હતી. 
પાલનપુર જેલમાં બંધ  પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા જવાની છે અને તેમની સાથે કૉંગ્રેસના હાર્દિક પટેલ પણ જવાના છે તેવી માહિતી સામે આવતા આજે સવારે પોલીસે પાલનપુર જેલ તરફ  જતા રસ્તા પર બેરિફેડ લગાડીને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે જેલ તરફ કોઇને પણ જવા માટે પોલીસ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, હાર્દિક પટેલ પાલનપુર જેલમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને મળે તે પહેલા જ  પાલનપુર હાઇવે પર પોલીસ દ્વારા હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. 
ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ 1996માં બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમણે વકીલ સુમેરસિંહ પર ડ્રગ્સનો કેસ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી. બાદમાં આ એડવોકેટે હાઇકોર્ટમાં ફરિયાદ કરતા આ કેસ બોગસ નીકળ્યો હતો. 2018માં આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઇ હતી. હાલમાં આ કેસમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. 
દરમિયાન  ગઇકાલે સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ ંહતુ ંકે, સંજીવ ભટ્ટને 14મી તારીખે રાખડી બાંધવા માટે કઢુવા દુષ્કર્મ કેસના વકીલ અને સુપ્રીમ કોર્ટના વકીલ સહિત કામીસ રાજાવત સહિત 300 મહિલાઓ રાખડી બાંધવા જેલમાં જશે. શ્વેતા ભટ્ટે એમ પણ જણાવ્યું હતુ ંકે, સરકાર સામે અવાજ ઉઠાવ્યો તેની સજા તેઓ ભોગવી રહ્યા છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer