કથિત પ્રેમ પ્રકરણ : ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા સસ્પેન્ડ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14: રાજ્ય અને દેશભરમાં બહુચર્ચિત બનેલા ગુજરાતના આઇએએસ ગૌરવ દહિયાના દિલ્હીની મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિના રિપોર્ટ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દહિયાને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. જેના પગલે રાજ્યના મુખ્યસચિવ જે.એન.સિંઘે ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ આઇએએસ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા છે.  મહત્વનું છે કે, પોલીસ ચાર વાર  ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા જેથી તપાસમાં સહયોગ ન આપતા કાર્યવાહી કરવામાં આવશે. 
દરમિયાન ગત અઠવાડિયે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની 6 થી 7 કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જો કે તે બાદ દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નથી. પોલીસે દિલ્હી જઇને મહિલાનું નિવેદન પણ લીધું હતું. 
મહત્વનું છે કે, ગુજરાત કેડરના આઇએએસ ગૌરવ દહિયાએ એક પત્ની હોવા છતાં  ફેસબુક ફ્રેન્ડ બનેલી દિલ્હીની લીનુ સિંઘ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે બાદ પ્રેમપ્રકરણમાં અચાનક કોઇ તકલીફ પડતા બન્ને એકબીજા વિરુદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  દહિયા હવે આ યુવતી બ્લેકમેઇલ કરી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કમિટી સમક્ષ કરાયેલી પૂછપરછમાં પણ દહિયાએ યુવતી નાણાંની માગણી કરીને બ્લેકમેઇલ કરતી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. 

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer