નવી દિલ્હી, તા. 14 : જમ્મુ અને કાશ્મીરના નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવતા વર્ષે માર્ચ મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે, એમ ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. નવા જમ્મુ ઍન્ડ કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન ઍક્ટ હેઠળ સીમાંકનની કવાયત માટે મંગળવારે ચૂંટણી પંચે તેની પ્રથમ બેઠક યોજી હતી.
ચૂંટણી પંચે આ બાબતમાં આંતરિક ચર્ચા કરી હતી અને ગૃહ મંત્રાલયના અંતિમ નિર્દેશની રાહ જોવામાં આવી રહી છે, એમ ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય સાથે ચૂંટણી પંચે સીમાંકનથી આદરેલી કવાયત આ નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજવાનું પ્રથમ કદમ છે.
નવા ગૃહના સંખ્યાબળ પર રિઓર્ગેનાઈઝેશન ઍક્ટમાં ઘડાયેલી વિગતો જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં લાંબાગાળાની અસર ઊભી કરશે.
`સૌપ્રથમ તો પુર્નગઠન કાયદા હેઠળ નવી વિધાનસભામાં 114 બેઠકો હશે, જેમાંની 24 પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) માટે રાખવી પડશે, જેનો અર્થ એ થયો કે 90 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જૂની વિધાનસભામાં 111 બેઠકો હતી, જેમાંની 24 પીઓકે માટે રાખવામાં આવી હતી અને ચાર બેઠકો લદાખ માટે રાખવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ગૃહનાં અસરકારક સંખ્યાબળ માટે વધારાની સાત બેઠકો ઉમેરવી પડશે. જમ્મુ અને કાશ્મીરના કયા ભાગની આ બેઠકો રહેશે તે અંગે નિર્ણય લેવો પડશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
Published on: Thu, 15 Aug 2019