જમ્મુમાં નિયંત્રણો પૂર્ણપણે દૂર : કાશ્મીરના કેટલાક સ્થળોએ ચાલુ

પરિસ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ હોવાનું જણાવતા અતિરિક્ત ડીજી  મુનીર ખાન
શ્રીનગર, તા. 14: જમ્મુમાં લદાયેલા નિયંત્રણો પૂર્ણપણે ઉઠાવી લેવાયા છે, જ્યારે કાશ્મીરમાં કેટલાક સ્થળોએ નિયંત્રણો હજી થોડો સમય ચાલુ રહેશે એમ જણાવી જમ્મુ કાશ્મીરના અતિરિક્ત ડીજી મુનીર ખાને ભારપૂર્વક ઉમેર્યું હતું કે પરિસ્થિતિ તદ્દન અંકુશ હેઠળ છે. કોઈને મોટી ઈજા થઈ નથી ખીણમાં જૂજ લોકોને પેલેટ ઈજાઓ થઈ છે તેઓની સારવાર ચાલી રહી છે. કોઈ નાગરિકની ખુવારી ન થાય તે અમારો સૌથી મોટો પ્રયત્ન રહેશે એમ જણાવતા ખાને ઉમેર્યું હતું કે `આ પ્રકારની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં વિવિધ પ્રકારની અટકાયતો થતી હોય છે. રીઢા તોફાનીઓ શાંતિપૂર્ણ માહોલ ડહોળે નહીં તે અંકે કરવા પ્રીવેન્ટિવ અટકાયત કરાતી હોય છે.' 
રાજ્યમાં એકંદરે શાંતિ પ્રવર્તે છે એમ અગ્ર સચિવ રોહિત કંસલે જણાવતા વધુમાં કહ્યું હતું કે  શ્રીનગર સહિત મોટા ભાગના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ હળવા બનાવાયા છે. નાગરિક પુરવઠો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એરપોર્ટ, તબીબી સુવિધાઓ-એમ તમામ મોરચે પરિસ્થિતિ રાબેતા મુજબની રહી છે.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer