નયા ભારતના નિર્માણમાં અગ્રેસરની ભૂમિકા અદા કરવા નારીશક્તિને રૂપાણીનું આહ્વાન

નયા ભારતના નિર્માણમાં અગ્રેસરની ભૂમિકા અદા કરવા નારીશક્તિને રૂપાણીનું આહ્વાન
છોટાઉદેપુર ખાતે વિશાળ મહિલા સંમેલનમાં મુખ્યપ્રધાનનું પ્રેરક માર્ગદર્શન 
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 14 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નયા ભારતના નિર્માણમાં અગ્રેસરની ભૂમિકા અદા કરવા નારીશક્તિને આહ્વાન કર્યું છે. 73મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં રૂપાણીએ નારીશક્તિના મહાત્મ્યને બિરદાવતા કહ્યું કે, નારી એ શક્તિ સ્વરૂપા છે. આવી શક્તિનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર કટિબદ્ધ છે. 
ઉક્ત સંદર્ભમાં રૂપાણીએ જણાવ્યું કે, નારી ગૌરવ નીતિ અંતર્ગત મહિલાઓને આર્થિક સ્વાવલંબનનું યોગ્ય વાતાવરણ ગુજરાત સરકાર દ્વારા પૂરૂ પાડવામાં આવ્યું છે. મહિલાઓ પગભર થાય અને ઘરને આર્થિક રીતે મદદરૂપ થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમાં મિશન મંગલમ યોજના મહત્વપૂર્ણ છે. આ યોજનાનો વ્યાપ વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. અત્યારે રાજ્યમાં 2.75 લાખ જેટલા સખીમંડળો કાર્યરત છે. તેને વધારીને 10 લાખ સખી મંડળો કાર્યરત કરવામાં આવશે. જેના થકી એક કરોડ જેટલી મહિલાઓને સામુહિક પ્રયત્નો થકી સીધી રોજગારી મળશે. 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નારીશક્તિની વિવિધક્ષેત્રમાં ભાગીદારી વધારવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બેઠકોમાં 50 ટકા અનામત મહિલાઓને આપવામાં આવી છે. જેનાથી સત્તાક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વધ્યું છે અને નારીના નેતૃત્વ-કર્તૃત્વનો સ્વીકાર
થયો છે. 
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે કુખથી કરિયાવર સુધીની એક નારીની સામાજિક યાત્રાના તમામ પડાવોની ખેવના કરી છે. એક માં તરીકે તેમના ગર્ભાવસ્થા દરમિયાન આરોગ્યલક્ષી સારવાર સાવ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમને પૂરક પોષણ મળી રહે તે માટે આહાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે, એક માતાને દીકરી અવતરે ત્યારે તેના માટે વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીનો જન્મ થાય તેને વધાવવામાં આવે છે. દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસમાં કરે ત્યારે તેમના ખાતામાં રૂ. 4 હજાર જમા કરાવવામાં આવશે. ધોરણ 9માં આવે ત્યારે 6 હજાર આપવામાં આવશે. એમ 18 વર્ષની થાય ત્યારે, રૂ. એક લાખ મળે એવી રીતે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
દીકરી અભ્યાસ કરી દેશની નામ રોશન કરે એવી અપીલ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દીકરીઓના અભ્યાસની ખેવના આ રાજ્ય સરકારે કરી છે. અફસર બિટીયા યોજના અંતર્ગત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે છાત્રવૃત્તિ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સના અભ્યાસની સંપૂર્ણ ફી માફી કરવામાં આવે છે. મહિલાઓ માટે પોલીસ તંત્રમાં 33 ટકા અનામત આપવામાં આવી છે. નાગરિકોની સુરક્ષાની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે . 
મહિલાઓને ઘરેલું હિંસાના કેસમાં અભયમ્ દ્વારા માત્ર 10 મિનિટના સમયમાં મદદ મળે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે, તેમ કહેતા શ્રી રૂપાણીએ ઉમેર્યું કે, અભયમ મહિલાઓને માટે મદદગાર સાબિત થઇ રહી છે. તેનાથી આપત્તિમાં પડેલી નારીને સંરક્ષણ અને રક્ષણ મળે છે. આ ઉપરાંત રાજ્યમાં નારી અદાલતોનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 
મહિલાઓ ઉપર ખાસ કરીને નાની બાળાઓ ઉપર થતાં જાતીય હુમલાના કેસમાં ન્યાયિક
પ્રક્રીયા ત્વરિત થાય એ માટે ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરવામાં આવી છે. તાજેતરના એક કેસમાં આરોપીઓને ફાંસીની સજા થઇ છે, દારૂબંધીના કાનૂને વધુ કડક બનાવી દારૂડિયા પતિ દ્વારા પત્ની પર થતા અત્યાચાર રોકવા સરકારે પ્રયત્ન કર્યા છે. તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer