થાણેમાં મનોરોગી રેલવેના થાંભલા પર ચડી જતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

થાણેમાં મનોરોગી રેલવેના થાંભલા પર ચડી જતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : થાણેમાં એક માથાફરેલ વ્યક્તિ રેલવેના વીજળીના થાંભલા પર ચડી જતા મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. રેલવે તંત્રએ તત્કાળ લાઈનનો વિદ્યુત પુરવઠો બંધ કરતા સંભવિત દુર્ઘટના ટળી હતી. સાંજે ધસારાના સમયે ટ્રેનો અટકતા પ્રવાસીઓની હાલાકી થઈ હતી.
રામપાલ યાદવ નામનો આ માનસિક રીતે અસ્વસ્થ શખસ થાણે રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર એક અને બે વચ્ચેનાં વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. વાયરમાંથી ઉચ્ચ વિદ્યુત પ્રવાહ જતો હતો. પ્રવાસીઓએ રેલવેને જાણ કરતાં વિદ્યુત પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આથી લોકલ ટ્રેનો અટકી ગઈ હતી. રેલવે કર્મચારી અને અગ્નિશમન દળનાં જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. એ શખસને નીચે ઉતારવાના પ્રયાસ ર્ક્યા હતા, પરંતુ તે તેમની વાત સાંભળવા જ તૈયાર નહોતો. છેવટે અડધો કલાકની જહેમત બાદ તેને થાંભલા પરથી ઉતારવામાં આવ્યો હતો અને રેલવે પોલીસે તેને તાબામાં લીધો હતો. એ બાદ વીજળી પુરવઠો શરૂ કરાયો હતો અને લોકલ ટ્રેનો દોડવા લાગી હતી.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer