પહલુખાન મોબ લિન્ચિંગ કેસમાં છ આરોપી નિર્દોષ જાહેર

પહલુખાન મોબ લિન્ચિંગ કેસમાં છ આરોપી નિર્દોષ જાહેર
ચુકાદા સામે રાજસ્થાન સરકાર અપીલ કરશે
જયપુર, તા.14 : રાજસ્થાનનાં અલવરમાં પહલૂ ખાનની કથિતરૂપે ટોળાની હિંસામાં થયેલી હત્યારનાં ચકચારી મામલામાં આજે અલવર જિલ્લા અદાલતે પોતાનો ફેંસલો સુણાવતા છ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરી દીધા છે. રાજસ્થાન સરકાર આ ચુકાદા સામે અપીલ કરશે.
પહલૂ ખાનનાં મોબ લિન્ચિંગ કેસમાં કુલ મળીને 9 આરોપીઓ પકડાયા હતાં અને તેમાંથી બે સગીર હતાં. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલ 2017નાં રોજ ગૌમાંસ તસ્કરીની શંકામાં કથિત ગૌરક્ષકોનાં ટોળાએ પહલૂખાનને ઢોરમાર માર્યો હતો અને આ પીટાઈનાં બે દિવસ બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. 
આજનાં ચૂકાદા બાદ પહલૂનાં પુત્ર ઈરશાદે અફસોસ વ્યક્ત કર્યો હતો અને ચૂકાદા વિશે અસંતોષ વ્યક્ત કરતાં તેની સામે અપીલ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. અલવર કોર્ટમાં આજે ચૂકાદો આવતાની સાથે જ પરિસરમાં એકત્ર મેદની ભારત માતાનો જયઘોષ કરવાં લાગ્યા હતાં. 
આરોપીઓનાં વકીલનાં કહેવા અનુસાર તેમના અસીલોની ઓળખ થાય તે પહેલા તો પહલૂનું મૃત્યુ થઈ ગયું હતું અને પોલીસે ખોટો કેસ બનાવીને બધાને પકડી લીધા હતાં. આ ઘટનાનો જે વીડિયો છે તે પણ ધૂંધળો છે અને તેમાં સ્પષ્ટ કંઈ દેખાતું નથી. આટલું જ નહીં વીડિયો પુરાવાઓ અદાલતમાં સ્વીકાર્ય પણ નથી. માટે અદાલતે તેના અસીલને બાઇજ્જત નિર્દોષ છોડી મૂક્યા છે. 
પ્રાપ્ત અહેવાલ અનુસાર જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો હતો તેણે અદાલતમાં આવીને એ વીડિયો તેનો જ બનાવેલો હોવાની સાક્ષી પુરાવી નહોતી. આમ, કોર્ટમાં વીડિયોની સત્યતા સામે સવાલ ખડા થયા હતાં. 
 

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer